Breaking News: સુરતના લિંબાયતમાં મોતનું તાંડવ રહેણાક મકાનમાં 8 ટન સાડીના જથ્થાએ લીધો 5 નિર્દોષનો ભોગ

| Edited By: | Updated on: Mar 31, 2026 | 4:35 PM

સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી પાસે આવેલી બેઠી કોલોનીમાં એક મકાનમાં ભીષણ આગ લાગતા ચાર મહિલા અને એક બાળક સહિત કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આજે એક એવી ભયાનક દુર્ઘટના બની જેણે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. મીઠી ખાડી પાસેની બેઠી કોલોનીમાં આવેલા એક ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં અચાનક લાગેલી આગે પાંચ જિંદગીઓ છીનવી લીધી છે. આ આગ માત્ર સામાન્ય અકસ્માત નહોતો પરંતુ મકાનમાં સંગ્રહિત કરવામાં આવેલા જ્વલનશીલ જથ્થાને કારણે સર્જાયેલી માનવસર્જિત હોનારત હતી.

8 ટન સાડી અને કેમિકલ બન્યું કાળ

પ્રાપ્ત વિગતો મુજબ, મકાનમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. મકાનમાં રહેણાક હોવા છતાં અંદાજે 8 ટનથી વધુ સાડીઓ અને કેમિકલ ફોમનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કાપડ અને કેમિકલના કારણે આગ મિનિટોમાં આખા મકાનમાં પ્રસરી ગઈ હતી.

આ દરમિયાન ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર પણ જોરદાર ધડાકા સાથે ફાટતા પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ઘરમાં હાજર 4 મહિલાઓ અને એક બાળક બહાર નીકળી શક્યા નહોતા અને સ્મોક (ધૂમાડા) ના કારણે ગૂંગળામણ થતા પાંચેયના કરુણ મોત નીપજ્યા હતા.

રેસ્ક્યૂ દરમિયાન અફરાતફરી

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા સ્થાનિકોએ જીવના જોખમે પાણીનો મારો ચલાવી લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કેટલાક સ્થાનિકો પણ ઇજાગ્રસ્ત થયા છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ પાંચેયને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

તંત્રની કડક ચેતવણી

ઘટનાસ્થળે પહોંચેલા સુરતના પૂર્વ મેયર અને પોલીસ અધિકારીઓએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. પૂર્વ મેયરે અપીલ કરી છે કે લોકો ઘરમાં સાડીનો આટલો મોટો જથ્થો સંગ્રહ ન કરે. ફાયર વિભાગે પણ લાઉડ સ્પીકર પર એનાઉન્સમેન્ટ કરીને ચેતવણી આપી છે કે જો હવે કોઈ રહેણાક મકાનમાં આ રીતે જોખમી જથ્થો રાખશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જૈન મુની સાગરચંદ્ર સામે અવાજ ઉઠાવનાર પીડિત મહિલાઓને ‘જાનથી મારી નાખવાની ધમકી’, શું પોલીસ હજુ પણ તમાશો જોશે?

Published on: Mar 31, 2026 04:29 PM
Follow Us