Breaking News પાલડીમાં અશાંતધારા અને ગેરકાયદે બાંધકામ સામે AMCની કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન
અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે ડિમોલિશન હાથ ધર્યું છે. મુસ્તફા માણેકચંદ દ્વારા અશાંતધારાના કાયદાનું ઉલ્લંઘન કરી ખરીદાયેલા બંગલાઓ અને તેના પર કરાયેલા ગેરકાયદે બાંધકામ પર તંત્રએ કાયદાકીય લડત બાદ બુલડોઝર ફેરવ્યું.
શહેરના પોશ વિસ્તાર ગણાતા પાલડીમાં ગેરકાયદે બાંધકામ અને અશાંતધારાના ભંગ બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાલડીમાં કોચરબ આશ્રમની પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં રહેતા નામાંકિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદના બંગલાનું ગેરકાયદે બાંધકામ AMCની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું છે.
આ સમગ્ર વિવાદ વર્ષ 2023થી શરૂ થયો હતો, જ્યારે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અશાંતધારાના મુદ્દે કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી. નૂતન સર્વોદય સોસાયટીમાં મુસ્તફા માણેકચંદે કુલ 9 બંગલા ખરીદી લીધા હતા, જેની સામે ધારાસભ્ય અમિત શાહે અશાંતધારા હેઠળ ફરિયાદ કરી લડત ચલાવી હતી. કલેક્ટરે આ મામલે 6 મહિના અગાઉ જ હુકમ કર્યો હતો કે મુસ્તફાએ આ બંગલાઓ તેના મૂળ માલિકને પરત કરી દેવા.
જોકે, આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. લાંબી કાયદાકીય પ્રક્રિયાના અંતે, અશાંતધારા ઉપરાંત ગેરકાયદે રીતે કરવામાં આવેલા બાંધકામ અંગેની ફરિયાદને આધારે AMCએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. ધારાસભ્ય અમિત શાહની સતત રજૂઆતો અને કાયદાકીય લડતના કારણે આખરે તંત્રએ ઝુકીને ગેરકાયદે બાંધકામ દૂર કરવાની ફરજ પડી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
Input Credit: Narendra Rathod
