બોટાદના કથિત ₹1 કરોડના તોડકાંડ મામલે સ્થાનિક અધિકારીને તપાસ સોંપાતા ઉઠ્યા સવાલો, નિર્લિપ્ત રાય કે પ્રેસમુખ ડેલુને સોંપવા માગ
બોટાદના કથિત ₹1 કરોડના તોડકાંડ મામલે સ્થાનિક અધિકારીને તપાસ સોંપાતા સવાલો ઉઠી રહ્યા છે. DySP મહર્ષિ રાવલને તપાસનીશ અધિકારી તરીકે નિમણૂક કરાયા છે. ત્યારે સમાજના આગેવાનો વતી મયુરભાઈ જમોડે SIT રચવા અને નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવા માગ કરી છે.
બોટાદના કથિત તોડકાંડ મામલે સ્થાનિક અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. DySP મહર્ષિ રાવલની તપાસનીશ અધિકારી તરીકે નિમણૂક કરાઈ છે. ત્યારે આ મામલે સમાજના આગેવાનો વતા મયુરભાઈ જમોડે સવાલ ઉઠાવ્યા છે અને સ્થાનિક અધિકારીના બદલે નિર્લિપ્ત રાય કે પ્રેમસુખ ડેલુને તપાસ સોંપવાની માંગ કરી છે. કથિત તોડકાંડ માત્ર ₹1 કરોડ પૂરતો ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વધુ રકમના તોડની પણ ચર્ચા હોવાનો મયુરભાઈ જમોડે દાવો કર્યો છે. આ તોડકાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ તેવી માગ કરાઈ છે.
આ તરફ કોળી સમાજના કેટલાક આગેવાનોએ સ્થાનિક ડીવાયએસપી દ્વારા થતી તપાસની પ્રકિયાને પણ યોગ્ય ગણાવી છે. કોળી સમાજના આગેવાન મૂજબ તપાસ થયા બાદ લોકોને સત્ય અંગે ખ્યાલ આવશે.
તોડકાંડની ઘટના શું છે?
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં એવો આક્ષેપ કરાયો છે કે કોળી સમાજના યુવકને કોઈ ગુનામાં પોલીસ અને એક ભાજપના નેતાએ ભેગા થઈ માર માર્યો અને તેની પાસેથી એક કરોડનો તોડ કર્યો છે. હાલ આ આક્ષેપથી કોળી સમાજમાં વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. આ કથિત આક્ષેપની તપાસ કરવાની જવાબદારી ડીવાયએસપી મહર્ષિ રાવલને સોપાઈ છે.
આ તોડકાંડના વિરોધમાં બોટાદમાં મંગળવારે કોળી સંમેલન પણ મળ્યુ હતુ. સમાજના આગેવાન ભૂપત ડાભી એ આ સંમેલન બોલાવ્યુ હતુ. નિષ્પક્ષ તપાસની માગ સાથે આરોપીઓને પકડવા અપીલ કરાઈ છે.
કથિત તોડકાંડમાં માત્ર પોલીસ અધિકારીઓ જ નહીં, પરંતુ ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારોની સંડોવણીના આરોપ છે. સાથે અખિલ ભારતીય કોળી સમાજના ભૂપત ડાભીએ પણ નિષ્પક્ષ તપાસની માગ કરી છે.
