ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મોટાભાગના ઉમેદવારો પ્રચાર, રોડ-શો, જનસભાને સંબોધનમાં વ્યસ્ત છે, ત્યારે અમદાવાદમાં વેજલપુર વિધાનસભા બેઠક ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેર સભા સંબોધી હતી. અમતિ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારે શાંતિ સ્થાપવાનું કામ કર્યું છે. આ સાથે જ મુંબઈમાં 26/11ના એટેકને યાદ કરી કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં અમદાવાદમાં છાશવારે શાંતિ ડહોળવામાં આવતી હતી. રાધિકા જીમખાનાની ઘટના ભૂલાય એવી નથી. શહેરની શાંતિને વિંખી નાખી હતી. નરેન્દ્ર મોદીએ વખતે મુખ્યમંત્રી હતા અને રમખાણ કરાવનારાઓને એવો પાઠ ભણાવ્યો કે એ ઘડી અને આજનો દિવસ ગુજરાતમાં ક્યારેય રમખાણ થયા નથી.
તો બીજી તરફ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ઘાટલોડિયામાં ભવ્ય રોડ શો મેમનગરના સુભાષ ચોકથી બોળકદેવ સુધી યોજાયો હતો. ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાનનો પોતાના મત વિસ્તારમાંનો આ રોડ શો ખાસ બની રહ્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઇ તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. મેમનગરના સુભાષ ચોકથી શરૂ કરી ઘાટલોડિયા વિધાનસભાના વિવિધ વિસ્તારમાં તેઓ ફરવા નીકળ્યા હતા. રોડ શો સુભાષ ચોક, નિકિતા પાર્ક, સત્તાધાર ક્રોસ રોડ, ગુલાબ ટાવર, ઇન્દ્રપ્રસ્થ ટાવર, વસ્ત્રાપુર થઇ બોડકદેવ પહોંચ્યો હતો.