વિશ્વાસના નામે છેતરાયા ભક્ત! ફરી ધણધણ્યું અંધશ્રદ્ધાનું ભૂત, દેવભૂમિ દ્વારકામાં ખુલ્લી પડી તાંત્રિકની કાળી કરતૂત – જુઓ Video
રિદ્ધિ-સિદ્ધિની લાલચ આપી ભોળા લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવતી આંતર જિલ્લા 'મદારી ગેંગ'ને ઝડપી પાડવામાં દ્વારકા પોલીસને મોટી સફળતા મળી છે.
દેવભૂમિ દ્વારકામાં તાંત્રિકવિધિના નામે સોનાના દાગીના પડાવી છેતરપિંડી આચારનારા બે આરોપી ઝડપાયા છે. આરોપીઓએ ફરિયાદીને ખાતરી આપી હતી કે, અમે તાંત્રિકવિધિ કરીને તમારા ઘરના જે પણ પ્રશ્ન હશે તેનો ઉકેલ લાવીશું.
આરોપીઓએ તાંત્રિકવિધિ માટે ઘરમાં રહેલા દાગીના માંગ્યા હતા અને આ દાગીનાનો ઉપયોગ તાંત્રિકવિધિમાં કરવો પડશે. ત્યાર બાદ આરોપીઓ વિધિના બહાને દાગીના મેળવીને ફરાર થઈ ગયા હતા.
ફરિયાદના આધારે પોલીસે બે આરોપીને દ્વારકા નજીકથી જ ઝડપી પાડ્યા છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને આધારે પોલીસે ચોક્કસ લોકેશન મેળવી બે શખ્સોની ધરપકડ કરી હતી.
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં મોરબીમાં રહેતા જાનનાથ સુરમનાથ પઢીયાર અને રાજકોટમાં નિવાસ કરતા નેનુનાથ પોપટનાથ બામણીયાનો સમાવેશ થાય છે. આ સિવાય આરોપીઓ પાસેથી 9 લાખ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, પોલીસની તપાસમાં આરોપીઓએ આચરેલી અન્ય છેતરપિંડીઓના પણ ખુલાસા થઈ શકે છે.
આ બનાવ લોકોને એ સંકેત આપે છે કે, તાંત્રિકવિધિ અને જાદુ-ટોણાના બહાને લોકો સાથે ઘણીવાર કૌભાંડ થતું રહે છે. આથી, દરેક ભક્તોએ સાવચેત રહેવું જરૂરી છે અને તાંત્રિકવિધિ કે અંધશ્રદ્ધાની જાળમાં ન ફસાવું જોઈએ.
