ગુજરાત માટે ‘મોટા સમાચાર’! JP Morgan ગિફ્ટ સિટીમાં પોતાની હાજરી વધુ મજબૂત કરશે, CM સાથે યોજાઈ બેઠક – જુઓ Video
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના ન્યુયોર્કમાં જેપી મોર્ગનના ગ્લોબલ હેડ મેક્સ ન્યુકિર્ચન સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સ અને ફિનટેક હબ તરીકે વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જેપી મોર્ગને ગિફ્ટ સિટી પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને તેમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવાની યોજના અંગે ચર્ચા કરી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તાજેતરની અમેરિકા મુલાકાત દરમિયાન રાજ્યના આર્થિક ભવિષ્ય માટે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ન્યુયોર્કમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વની અગ્રણી નાણાકીય સંસ્થા જેપી મોર્ગનના ગ્લોબલ હેડ મેક્સ ન્યુકિર્ચન સાથે મુલાકાત કરી હતી.
આ ઉચ્ચ-સ્તરીય બેઠકમાં ગુજરાતને આંતરરાષ્ટ્રીય નાણાકીય ગેટવે તરીકે વિકસાવવા અને ગિફ્ટ સિટી (GIFT City) ને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બનાવવાની દિશામાં ચાલી રહેલા પ્રયાસો અંગે વિગતવાર ચર્ચા થઈ. જેપી મોર્ગન તરફથી ગિફ્ટ સિટી પ્રત્યે દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અને ગિફ્ટ સિટીમાં તેમની હાજરીને વધુ મજબૂત કરવાની યોજનાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ મુલાકાત ગુજરાતના નાણાકીય સેવાઓ અને ફિનટેક સેક્ટર માટે મોટી તક ઊભી કરી શકે છે. વૈશ્વિક ફાઇનાન્સ અને ફિનટેક હબ તરીકે ગિફ્ટ સિટીને ઝડપથી વિકસાવવા માટે ગુજરાત સરકારે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુનિશ્ચિત નીતિગત માળખાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીની આ મુલાકાત અને જેપી મોર્ગન સાથેની બેઠક ગુજરાતના રોકાણ તેમજ નાણાકીય ઇકોસિસ્ટમ માટે એક મોટું પગલું માનવામાં આવે છે, જે રાજ્યના વિકાસને નવી દિશા આપશે.

