આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન પદે શપથ લેવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ ગઈકાલ રાત્રે જ પહોંચી ગયા હતા. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ બાદ રાજભવન જવા રવાના થયા હતા ત્યારે નાનો રોડ શો પણ કર્યો હતો. લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વડાપ્રધાને તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. શપથવિધિ સમારોહમાં ભાજપના મોટા નેતાઓ અને ચૂંટાયેલા તમામ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે, ત્યારે કોણ પ્રધાનમંડળમાં સામેલ થશે તેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. મળતી માહિતી પ્રમાણે 24 પ્રધાનોનું પ્રધાનમંડળ રચાઈ શકે છે. જેમાં 11 ધારાસભ્યો કેબિનેટકક્ષાના બનાવાય તેવી શક્યતા છે.
શપથ લેનારા મંત્રીઓને ગઈકાલે ટેલિફોનથી જાણ કરાઇ હતી. જેમાં ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, પરસોત્તમ સોલંકી, ભાનુબેન બાબરીયા, બચુભાઈ ખાબડ, મુળુભાઇ બેરા, કુબેર ડીંડોર, હર્ષ સંઘવી, મુકેશ પટેલ, ભીખુ પરમાર, પ્રફુલ પાનસેરિયા અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.