ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા પણ ઓછો પાણીનો જથ્થો, સર્જાઈ શકે છે પાણીની અછત- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં પાણીનો જથ્થો 50%થી ઓછો થતાં ઉનાળામાં જળસંકટની ભીતિ સેવાઈ રહી છે. શેત્રુંજી સહિતના મુખ્ય ડેમોમાં પાણી ઘટવાથી પીવાના અને સિંચાઈના પાણીની તકલીફ ઊભી થઈ શકે છે. જોકે, મહાનગરપાલિકા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ હાલ પૂરતા પાણીની ઉપલબ્ધતાનો દાવો કરી રહ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં વધતી ગરમી વચ્ચે પાણીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત થવા લાગી છે. આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની તકલીફ ઊભી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. જિલ્લાના મુખ્ય ડેમો જેમ કે શેત્રુંજી, ખોડિયાર, હાણોલ, રજાવળ અને માંડવા ડેમમાં હાલ પાણી ઉપલબ્ધ હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. શહેરમાં પીવાના પાણી માટે શેત્રુંજી ડેમ, ખોડિયાર ડેમ, બોરતળાવ અને મહીપરીએજમાંથી પાણી લેવામાં આવી રહ્યું છે.
જો કે, કેટલાક ડેમોમાં પાણીનો જથ્થો 50 ટકા કરતા ઓછો હોવાનું પણ સામે આવ્યું છે, જેને કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે કે આવનારા સમયમાં પાણીની અછત ઊભી થઈ શકે. બીજી તરફ, ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓનો દાવો છે કે શહેરમાં હાલ પૂરતું પાણી ઉપલબ્ધ છે અને નાગરિકોને કોઈ તકલીફ નહીં પડે. સાથે જ સિંચાઈ વિભાગના અધિકારીઓ એ પણ જણાવ્યું છે કે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરતું છે અને કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય. હાલ તંત્ર દ્વારા તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે વધતી ગરમી વચ્ચે પાણીની સ્થિતિ કેવી રહે છે.