વંદે ભારત ટ્રેન ગતિ અને સુવિધાઓને કારણે મુસાફરોમાં ખુબ જ લોકપ્રિય નિવડી રહી છે. ગુજરાતના 20 શહેરોને 6 વંદે ભારત ટ્રેનો કનેક્ટ કરી રહી છે. પરંતુ ભાવનગરને વંદે ભારત ટ્રેનોની ફાળવણી કરવામાં આવી નથી. ભાવનગર-મુંબઇ વચ્ચે પણ જો વંદે ભારત ટ્રેનની ફાળવણી કરવામાં આવે તો મુસાફરોને નવી સુવિધા મળી શકે તેમ છે. લાંબા સમયથી માંગણી હોવા છતા રેલવે તંત્ર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવાઈ રહ્યો નથી. ભાવનગર શહેરમાં હાલ મુંબઈની એર કનેક્ટિવિટી પણ છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હોવાને કારણે હાલમાં જો વંદે ભારત જેવી ટ્રેન શરૂ થાય તો સુરત અને મુંબઈના મુસાફરો મોટી રાહત મળશે.
સ્થાનિક નાગરિક ધર્મેન્દ્રસિંહ જાડેજા જણાવે છે કે ભાવનગરથી સુરતની જો વંદે ભારત ટ્રેન કનેક્ટિવિટી શરૂ થઈ જાય તો શહેરીજનોને ઘણો લાભ મળી શકે તેમ છે. ભાવનગરથી સુરત અનેક લક્ઝરી બસ જાય છે અને રોજે અનેક મુસાફરો સુરત જતા આવતા હોય છે તો ભાવનગરની જનતાને સારા ટાઈમટેબલ મુજબની વંદેભારતનો લાભ મળવો જોઈએ.
ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતા મનોહરસિંહ ગોહિલે જણાવ્યુ કે ભાવનગરને વંદે ભારત ટ્રેન મળે તો ભાવનગરથી સુરત અને ભાવનગરથી મુંબઈની ટ્રેનની મોટી જરૂરિયાત છે. રોજ સેંકડો લોકો અગવડતા સહન કરીને સુરત-મુંબઈ જતા આવતા હોય છે. જો ભાવેણાવાસીઓને સાચો જ ન્યાય અપાવવો હોય તો ત્વરીત ધોરણે વંદે ભારત શરૂ કરવી જોઈએ. વધુમાં તેમણે પ્રહાર કર્યો કે રાજ્યમાં અને કેન્દ્રમાં પણ મંત્રીપદ લઈને બેઠા હોય અને ભાવેણાની જનતાને ન્યાય ન અપાવી શક્તા હોય તો રાજીનામુ આપી દેવુ જોઈએ.
તો આ અંગે ભાજપ શહેર પ્રમુખે કહ્યું કે અમે રેલવે મંત્રીને રજૂઆત કરી છે અને તેમણે વંદે ભારત ટ્રેન આપવાની ખાતરી પણ આપી છે. હાલ સુરતમાં રેલવે સ્ટેશનની કામગીરી ચાલે છે. એટલે 2થી 3 મહિનામાં ભાવનગરને વંદે ભારત ટ્રેન મળશે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
Published On - 8:40 pm, Thu, 19 February 26