Bhavnagar: ઝવેરચંદ મેઘાણી હોલનું ભાડુ બે ગણુ વધારી દેવાતા કલાકારો, આયોજકો નારાજ-Video
Bhavnagar: કલાનગરી ભાવનગરમાં સમારકામનું કારણ ધરીને યશવંતરાય નાટ્યગૃહને છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવાયો છે. જ્યારે ઝવેરચંદ મેઘાણી હોલના ભાડામાં બે ગણો જેટલો વધારો કરી દેવાયો છે. આ ભાડા વધારાને કારણે કલાકારો અને આયોજકોમાં નારાજગી ફેલાઈ છે. આયોજકોએ હોલનું ભાડુ ઓછુ કરવા માગ કરી છે તો બીજી તરપ કોંગ્રેસે પણ ભાડા વધારાને લઈને શાસક પક્ષ સામે વિરોધ નોંધાવ્યો છે.
Bhavnagar: કલાનગરી ભાવનગરે રાજ્યને અને દેશને અનેક કલાકારો આપ્યા છે. આ કલાનગરીમાં યશવંતરાય નાટ્યગૃહ છેલ્લા ઘણા સમયથી ધૂળ ખાઈ રહ્યો છે. લાખો રૂપિયા હોલના રિનોવેશનના નામે ખર્ચ કર્યા બાદ પણ હાલ હોલ બંધ હાલતમાં છે. બીજી તરફ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમના ભાડામાં બે ગણો વધારી દેવાતા કલાકારો અને આયોજકોમાં રોષ ફેલાયો છે.
યશવંતરાય નાટ્ય હોલ લાખોના ખર્ચ બાદ પણ ધૂળ ખાઈ રહ્યો છે- કોંગ્રેસ
યુસેઝ ચાર્જિંસના નામે હોલનું ત્રીજી શિફ્ટનું ભાડું બે ગણું વધાર્યું હોવાની રાવ છે. ત્યારે દિવાળી ટાણે કલાકારો અને આયોજકોનો માહોલ બગડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ અને ભાવનગર સ્ટેજ ઓર્ગેનાઇઝર્સ એન્ડ આર્ટિસ્ટ એસોસિએશને મનપા કમિશનરને આવેદન આપ્યું છે અને રજૂઆત કરી છે, કે હોલનું વધારેલું ભાડું ઓછું કરવામાં આવે.
એક તરફ યશવંતરાય નાટ્યગૃહ બંધ છે, તો બીજી તરફ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમનું બે ગણું ભાડું. સમગ્ર ગુજરાત કે જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા કે જામનગર હોય. કોઇ પણ જગ્યા પર કાર્યક્રમ હોલનું આટલું ભાડું નથી લેવાતું.
ટાગોર હોલનું ભાડું 25 હજાર
રાજકોટના હેમુ ગઢવી હોલનું ભાડું 28થી 30 હજાર સુધીનું છે. જેમાં લાઇટ બિલ સહિત અન્ય ખર્ચ આવી જાય છે. અમદાવાદના ટાગોર હોલનું ભાડું 25 હજાર છે. ત્યારે ભાવનગરમાં હોલનું ભાડું 39 હજાર સુધી પહોંચી જાય છે. તેમજ અન્ય ખર્ચ પણ લેવાય છે. પહેલા ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલનું ભાડું 24 હજાર જેટલું આવતું હતું. હવે તેના બદલે 44 હજાર જેટલું ભાડું ચૂકવવું પડે છે. પ્રેક્ષકોને પાણીની બોટલ પણ અંદર નથી લઇ જવા દેતા. જેને લઇ રોષનો માહોલ છે.
સમગ્ર મામલે શહેર કોંગ્રેસે મનપા ખાતે ભાજપના વિરૂદ્ધમાં વિરોધ કર્યો હતો. તેમજ આક્ષેપ કર્યો, કે કમિશનર અને કલેક્ટર આયોજકો પાસેથી પહેલા જ 10-10 ટિકિટ મફતમાં માગી લે છે. તો, સમગ્ર મામલે મનપા કમિશનર અને મેયરે યોગ્ય ભાડું કરવા હાલ બાંહેધરી આપી છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો