Breaking News : જોજો ભૂલ ન થાય! આ બટન નહીં દબાવો તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં, ચૂંટણી અધિકારીએ જણાવી મતદાનની સાચી રીત, જુઓ Video
ભરૂચ: ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો મહાજંગ ખેલાવા જઈ રહ્યો છે. જિલ્લાની 4 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોની કુલ 336 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ભરૂચ: આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો મહાજંગ ખેલાવા જઈ રહ્યો છે. જિલ્લાની 4 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોની કુલ 336 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયતની મતદાનની પદ્ધતિ અલગ-અલગ રહેશે
સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં મતદારોએ મતદાન કરવાની પ્રક્રિયા ખાસ સમજવી જરૂરી છે. નગરપાલિકાના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતી વખતે કુલ ૪ (ચાર) મત આપવાના રહેશે અને ત્યારબાદ જ તેમનો વોટ સત્તાવાર રીતે રજિસ્ટર્ડ ગણાશે. તેની સામે, જિલ્લા અને તાલુકા પંચાયતના મતદારો માટે પ્રક્રિયા સરળ છે. અહીં મતદારે માત્ર પોતાના પસંદગીના ઉમેદવારના નામ અને નિશાન સામેનું ભૂરા રંગનું બટન દબાવીને સીધું મતદાન કરવાનું રહેશે. વહીવટી તંત્ર દ્વારા આ અંગે EVM નિદર્શન પણ કરવામાં આવ્યું છે જેથી ૨૬ એપ્રિલે મતદારો કોઈપણ પ્રકારની ભૂલ વગર ઉત્સાહપૂર્વક લોકશાહીના આ પર્વમાં ભાગ લઈ શકે.
આચારસંહિતા ભંગની 5 ફરિયાદો નોંધાઈ
કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોને સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીમાં અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે. નગરપાલિકાના મતદારોએ 4 મત આપીને વોટ રજિસ્ટર કરાવવો ફરજિયાત રહેશે, જ્યારે પંચાયતના મતદારોએ સીધું ઉમેદવારના નામ સામેનું બટન દબાવવાનું રહેશે. અત્યાર સુધી આચારસંહિતા ભંગની 5 ફરિયાદો નોંધાઈ છે જેની તપાસ ચાલુ છે.
ચૂંટણી અંગે રસપ્રદ આંકડાકીય માહિતી
ભરૂચ જિલ્લાની ત્રણેય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કુલ 348 બેઠકો પૈકી 12 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે જેના કારણે હવે 336 બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 956 ઉમેદવારો મેદાનમાં છે જેમના ભાગ્યનો ફેંસલો 10.86 લાખ મતદારો કરશે.
- નગરપાલિકા: 4 નગરપાલિકાઓના 33 વોર્ડની 126 બેઠકો માટે 345 ઉમેદવારો વચ્ચે સ્પર્ધા છે, જેમાં 2.19 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
- જિલ્લા પંચાયત: 33 બેઠકો માટે 111 ઉમેદવારો મેદાનમાં છે.
- તાલુકા પંચાયત: 9 તાલુકાની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
1353 મતદાન મથકો પર 6663 કર્મચારી તૈનાત રહેશે
ચૂંટણીને મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે સંપન્ન કરવા માટે 6663 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 1353 મતદાન મથકો ઉભા કરાયા છે. સંવેદનશીલતાની દ્રષ્ટિએ જોઈએ તો, જિલ્લા અને તાલુકા પંચાયતના 212 મથકો અતિ સંવેદનશીલ અને 330 સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં 98 અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ મથકો છે. ખાસ આકર્ષણ તરીકે, રાજ્યમાં એકમાત્ર આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે.