ભરૂચની જામા મસ્જિદના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે ASI, રાજ્ય અને કેન્દ્ર સરકારને પાઠવી નોટિસ- Video
ગુજરાત હાઈકોર્ટે ભરૂચ જામા મસ્જિદ વિવાદ મામલે ASI, રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અરજદારોનો દાવો છે કે આ મસ્જિદ પ્રાચીન જૈન મંદિર છે, જ્યાં જૈન તીર્થંકરની મૂર્તિ મળી હતી. તેમણે કોર્ટ સમક્ષ મૂર્તિના રક્ષણ અને પૂજાના અધિકારની માંગ સાથે મસ્જિદની નોંધણી રદ કરવાની અપીલ કરી છે.
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ASI ને નોટિસ પાઠવી છે. જામા મસ્જિદમાં જૈન તીર્થંકરની મૂર્તિ મળ્યાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. જે સ્ટ્ર્ક્ચર મળ્યુ છે તેને સુરક્ષા આપવાન આવશ્યક્તા રાજ્ય સરકાર દ્વારા દર્શાવવામાં આવી છે. જામા મસ્જિદને જૈન મંદિર ગણાવી પાંચ અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. મસ્જિદ નહીં પરંતુ પ્રાચીન જૈન મંદિર અને અશ્વબોધ તીર્થ- શકુનિકા વિહાર હોવાનો કોર્ટમાં અરજદારે દાવો કર્યો છે.
ASI દ્વારા જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધવામાં આવ્યું
ASI દ્વારા જૈન મંદિરને ખોટી રીતે મસ્જિદ તરીકે નોંધવામાં આવ્યાનો અરજદારે આક્ષેપ કર્યો છે. જૂન 2026માં ભોંયરાાંથી જૈન ધર્મના 19માં તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી હોવાનો દાવો કરાયો છે. મૂર્તિ મળી હોવાના દાવાને સમર્થન આપવા અરજદારોએ કોર્ટમાં વીડિયો લિંક રજૂ કરી છે. મૂર્તિ અને ઐતિહાસિક સ્મારકના કેટલાક સ્તંભોનો નુકસાન પહોંચાડવામાં આવતુ હોવાની અરજદારની રજૂઆત છે.
ભગવાન મલ્લિનાથની મૂર્તિને તાત્કાલિક સુરક્ષા આપવા જૈન સમાજને પૂજાની મંજૂરી આપવાની પણ માગ કરાઈ છે.
જામા મસ્જિદ તરીકે નોંધ રદ કરવામાં આવે
કોર્ટમાં અરજદારે ઐતિહાસિક સ્મારકની જામા મસ્જિદ તરીકેની નોંધ રદ કરવા પણ માગ કરી છે. વિવાદીત સ્થળને અશ્વબોધ તીર્થ અને શકુનિકા વિહાર તરીકે જાહેર કરવાની માગ કરાઈ છે. વિવાદીત સ્થળે નમાઝ અદા કરવા પર પ્રતિબંધ મુકવા અને જૈન-હિંદુ સમાજને પૂજાનો અધિકાર આપવાની અરજદારોએ માગ કરી છે. આ અંગે તેમણે ઐતિહાસિક ગ્રંથો, સ્થાપત્યના લક્ષણો અને પ્રાચીન ઈતિહાસનો હવાલો આપ્યો છે. આગામી દિવસોમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.
Input Credit- Ankit Modi- Bharuch
