અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ, માઈ ભક્તોના પ્રસાદ માટે ધમધમ્યા રસોડા- જુઓ Video
અંબાજીમાં ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાદરવી પૂનમે અહીં મોટો મેળો પણ ભરાય છે અને લાખો માઈ ભક્તો મા અંબેના દર્શને આવે છે. અંબાજી આવનારા આ માઈભક્તો માટે લાખો કિલોનો મોહનથાળનો પ્રસાદ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને રસોડા ધમધમી ઉઠ્યા છે.
ભાદરવી પૂનમના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંબાજીમાં પૂનમના દર્શને આવનારા માઈભક્તો માટે રસોડા ધમધમવા લાગ્યા છે. માઈભક્તો માટે મોહનથાળના પ્રસાદની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા આ મેળામાં લોકો વિવિધ વાનગીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણે છે. સ્થાનિક હસ્તકલા અને હસ્તશિલ્પનો પણ આનંદ માણે છે. મેળામાં આવતા લોકો માટે પ્રસાદનું પણ અનેરુ મહત્વ છે. મોહનથાળનો પ્રસાદ લોકો સાથે લઈ જાય છે, જેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
અંબાજી આવતા લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ આ માટે કૂલ ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જો કે આ મોહનથાળના પ્રસાદમાં જે જે વસ્તુઓ વપરાય છે તેના કટ્ટા આવી ગયા છે. પછી તે લોટ હોય કે ખાંડ જેમાં એક લાખ કિલો કરકરો બેસન, દોઢ લાખ કિલો ખાંડ, 75 હજાર કિલો શુદ્ધ ઘી, 200 કિલો ઈલાયચીનો વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે.જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે.
મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રસાદ બનાવવાની કામગીરી ચાલુ રહેશે.જેના માટે પુરવઠા વિભાગનો સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યો છે. પૂરતા પ્રમાણમાં સીધુ-સામાન, પ્રસાદની ગુણવત્તાનું ખાસ ધ્યાન રખાશે. ફાયર બ્રિગેડની ટીમ પણ હાજર રહેશે. અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્રો ચાલુ છે તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય 14 જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભાં કરવામાં આવશે. આ કેન્દ્ર પરથી માઈભક્તોને માતાજીનો મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.