છેલ્લા પાંચ વર્ષથી પાલનપુર માલણ દરવાજા પાસે આવેલી ડમ્પીંગ સાઈટ શહેરીજનો માટે માથાના દુખાવો બની ગઈ છે. જોકે પાલનપુરના નાગરિકો માટે ઉત્તરાયણ પછી કંઈક સારા સામાચાર પણ આવશે એવું શાસકોનું કહેવું છે. પાલનપુરના માલણ દરવાજા પાસે આવેલી ડમ્પીંગ સાઈટમાં શહેરભરના કચરાના ઢગ ખડકાતા આ કચરાનો એક મોટો ડુંગર બની ગયો છે. જે છેલ્લા પાંચ વર્ષથી શહેરીજનો માટે માથાના દુખાવો બની ચૂકી છે કેમકે આજુબાજુની 20 સોસાયટીના લોકોના આરોગ્ય માટે પણ આ કચરો ખતરા રૂપ છે. ત્યારે નાગરિકોની પણ માગણી છે કે આ ડમ્પીંગ સાઈટનો નિકાલ થાય તો શહેરની સુખાકારી જળવાઈ રહે.
પાલનપુરની ડમ્પિંગ સાઈટ માટે છેલ્લા પાંચ વર્ષથી વિરોધ પક્ષ દ્વારા પણ અનેક રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં તેના માટે વિરોધ પ્રદર્શનો પણ કરવા પડ્યા હોવાનો વિપક્ષોનો દાવો છે. તેમનું કહેવું છે કે તંત્ર એ હદે બહેરું છે કે કોઈપણ સમસ્યા માટે લોકોએ આત્મ વિલોપનની ચીમકી આપવી પડે છે. જે શરમજનક છે. જોકે આ બધી જ સમસ્યા અને ફરિયાદો બાદ પાલનપુર શહેર માટે સારા સમાચાર પણ આવી રહ્યા છે અને એ મુજબ ઉતરાયણ બાદ આ ડમ્પિંગ સાઈટનું કચરા નિકાલનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. આ કામ માટે મંજૂરી મળી ચૂકી હોવાનું શાસકો કહી રહ્યા છે.
આમ હવે પાલનપુર દરવાજાની ડમ્પિંગ સાઇટના કચરાને સદરપુર ખાતે લઈ જઈને પ્રોસેસિંગ કરી તેનો ઉપયોગ કરવામાં આવશે. એ જોતાં પાંચ વર્ષથી નાગરિકો પરેશાન હતા તેમને હવે ટૂંક સમયમાં આ ડમ્પીંગ સાઈટની દુર્ગંધ અને કચરાથી રાહત મળશે.
ઈનપુટ ક્રેડિટ- અતુલ ત્રિવેદી- પાલનપુર