બનાસકાંઠા પાલનપુરના નવા ST બસપોર્ટ પર વિદ્યાર્થીઓનો ચક્કાજામ, નિયમિત બસ ન મળતા કર્યા ધરણા
Banaskantha: પાલનપુર તાલુકામાં નવા એસટી બસપોર્ટ પર વિદ્યાર્થીઓએ નિયમિત બસ ન મળતા ચક્કાજામ કર્યો હતો. અનિયમિત બસ આવતા વિદ્યાર્થીઓએ બસપોર્ટમાં ધરણા કર્યા હતા.
બનાસકાંઠાના પાલનપુરમાં નવા ST બસપોર્ટ પર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. નિયમિત બસ ન મળતા વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા. સવારે સ્કૂલ-કોલેજ જવામાં વિદ્યાર્થીઓને અનિયમિત બસને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નિયમિત બસની માગણી સાથે વિદ્યાર્થીઓએ બસપોર્ટ પર એક્ઠા થયા અને ચક્કાજામ કર્યો હતો. તેમની માગ છે કે તેમને નિયમિત બસની ફાળવણી કરવામાં આવે. અનિયમિત બસને કારણે તેમને અવરજવરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેની વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ માઠી અસર થઈ રહી છે. મોડા પહોંચતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન જઈ રહ્યુ છે.
સમયસર એસટી બસ ન મળતા વિદ્યાર્થીઓના બસપોર્ટ પર જ ધરણા
ગામડામાંથી સવાર-સાંજ અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે. પરંતુ એસટીની બસો વિદ્યાર્થીઓને ગામડામાંથી પાલનપુર લાવવામાં પણ મોડી પડે છે, જેના કારણે શાળા-કોલેજમાં વિદ્યાર્થીઓ મોડા પડે છે. સાંજે પણ ઘરે જવાના સમયે બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓને ઘરે પહોંચવામાં મોડુ થાય છે. આ અંગે વારંવાર એસટી પોર્ટના સંચાલકો, ડેપો મેનેજર સહિતનાને રજૂઆત કરી છે, પરંતુ તેનુ કોઈ નિરાકરણ ન આવતા પાલનપુર એસટી પોર્ટ પર વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા હતા અને ડેપો મેનેજરને બસો નિયમિત કરવા માગ કરી હતી.
એકતરફ બસોને સ્માર્ટ બનાવવામાં આવી રહી છે. પરંતુ જ્યારે સમયસર બસો જ નહીં મળે તો સ્માર્ટ બસોને વિદ્યાર્થીઓ શું કરશે, એસટી તંત્રને અનેક રજૂઆતો છતા કોઈ નિરાકરણ ન આવતા તેમની સામે વિદ્યાર્થીઓએ ધરણા કરવા મજબુર બની રહ્યા છે. ત્યારે ગુજરાતનું ભવિષ્ય શું આવી રીતે ભણશે અને આગળ વધશે તે પણ એક મોટો સવાલ છે.
ઈનપુટ ક્રેડિટ: અતુલ ત્રિવેદી- બનાસકાંઠા