તમે ક્યારેય કલ્પના કરી છે કે તમારી આસપાસ માત્ર પાણી જ પાણી હોય અને માથે છત પણ ન હોય. વરસાદ વરસતો હોય, ન કોઈ બીજા કપડા હોય, ન ખાવાપીવાની કોઈ જ સામગ્રી હોય તો આવી સ્થિતિમાં કેવી રીતે જીવવુ. પરંતુ બનાસકાંઠાના સૂઈગામના ભરડવા ગામના લોકોએ આવી ભયાનક વિકટ સ્થિતિમાં બે દિવસ વિતાવ્યા.
બનાસકાંઠામાં મેઘરાજાએ જે તાંડવ સર્જ્યુ છે તે 2015 અને 2017 કરતા પણ વધુ ભયાનક છે. લોકો પાસે કંઈ જ બચ્યુ નથી. એકસાથે 19-20 ઈંચ વરસાદ ખાબકી જતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરોમાં પણ વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ જતા લોકો મકાનોની છત પર રાતવાસો કરવા માટે મજબુર બન્યા હતા. એકતરફ વરસાદ, સુસવાટા બોલાવતો પવન, ન પહેરવા, ઓઢવા કે પાથરવા માટેનું કંઈ કપડા અને લોકો પહેરેલ કપડે ધ્રુજતા ધ્રુજતા સતત બે દિવસ સુધી આ જ પ્રકારે મકાનોની છત પર આશરો લઈ રહ્યા હતા. ન વીજળી, ન ખાવા માટેની ચીજવસ્તુઓ, ન પીવા માટે પાણી કે મોબાઈલના નેટવર્ક પણ ન હોવાથી લોકો અત્યંત દયનીય સ્થિતિમાં મુકાયા હતા.
સદ્દનસીબે બાજુના ગામના લોકો આ ગામની મદદે આવ્યા અને તેમના માટે ખાવાપીવાની ચીજો અને પાણીની બોટલો પહોંચાડી હતી. જો કે ત્રણ દિવસ વિતવા છતા ન તો ગામમાં વીજળી પૂર્વવત થઈ છે ના તો કોઈ સરકારી મદદ પહોંચી છે. ગામલોકો પાણી વચ્ચે મકાનોની છત પર આશરો લઈ રહ્યા છે. ગામલોકોની ઘરવખરીની સાથે અનાજ, ખેતીની ઉપજો બધુ જ પલળી ગયુ છે. ખોરાક, પાણી, કપડા વિના અત્યંત કફોડી સ્થિતિમાં ગામલોકોએ બે દિવસ વિતાવ્યા છે. ત્યારે આ tv9 એ ગામના લોકોની વેદના જાણી હતી.
tv9 સમક્ષ ગામની મહિલાઓએ જણાવ્યુ કે તેમને લાગતુ હતુ કે હવે આમાંથી નહીં બચી શકીએ. ન માત્ર ગામલોકો પરંતુ લોકોના માલઢોર પણ તણાઈને મૃત્યુ પામ્યા છે. હાલ સેવાભાવી લોકોની રાહત સામગ્રીના આધારે આ ગામલોકો સમય પસાર કરી રહ્યા છે. ધીમે ધીમે ગામમાંથી પાણી ઓસરવાનું શરૂ થયુ છે. જો કે હજુ પણ ગામમાંથી ટ્રેક્ટર સિવાય અવરજવર કરવી શક્ય નથી. લોકો એક જ માગ કરી રહ્યા છે કે તેમને સત્વરે સરકાર દ્વારા મદદ પહોંચાડવામાં આવે.
ગામલોકો જણાવે છે આવુ પૂર ક્યારેય જોયુ નથી, 2017માં આવેલા પૂર કરતા પણ આ વખતે વધુ વિનાશક પૂર આવ્યુ છે, જેમા ગામલોકો સીધા રસ્તા પર આવી ગયા છે. તેમની પાસે કંઈ જ બચ્યુ નથી. આ સ્થિતિમાંથી બહાર આવતા હજુ 15 દિવસનો સમય લાગી જશે. ત્યારે તેમના માટે રહેવા ખાવાપીવાની કોઈ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગ ગામલોકો કરી રહ્યા છે.
Input Credit- Sachin Patil- Banaskatha
Published On - 5:33 pm, Thu, 11 September 25