ભાજપના કાર્યકરોને બાબુભાઈ બોખીરીયાની શીખ – અંદરોઅંદર ટાંટિયા ખેંચવાનું બંધ કરો, જુઓ વીડિયો

ભાજપના કાર્યકરોને બાબુભાઈ બોખીરીયાની શીખ – અંદરોઅંદર ટાંટિયા ખેંચવાનું બંધ કરો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Oct 23, 2025 | 2:00 PM

બાબુ બોખીરીયાએ પોરબંદર અને જૂનાગઢની સરખામણી કરતા કહ્યું કે, ચૂંટણી સમયે જૂનાગઢ વાળા લખતા કે, છેલ્લા 50 વર્ષથી જૂનાગઢના કોઈ મંત્રી નથી બન્યા. પોરબંદર એ બાબતે સુખી છે. કેન્દ્ર અને રાજ્યમાં પ્રધાનપદુ છે પણ ટાંટિયા ખેચ બંધ કરીને કામ કરવું પડશે.

ગુજરાત ભાજપમાં બધુ એક સરખુ નથી. આ વર્ષે નવા વર્ષ નિમિતે યોજાયેલા સ્નેહ સંમેલનમાં અનેક સ્થળોએથી નેતાઓ વચ્ચેના વિખવાદ સામે આવ્યા છે. તાજેતરમાં જ પોરબંદરમાં નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં  પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયાએ, ભાજપના કાર્યકરોને અંદરોઅંદર લડવાની અને એક બીજાના ટાંટિયા નહીં ખેચવાની સલાહ આપી.

બાબુભાઈ બોખીરીયાએ અર્જૂનભાઈ અંગે કહ્યુ કે, મને 1995માં પોરબંદરમાંથી ધારાસભ્ય બનાવવામાં અર્જૂનભાઈ મોઢવાડિયાએ પણ મહેનત કરી હતી. આપણે તે સમયે નક્કી કર્યું હતું કે, મેરને ધારાસભ્ય બનાવવો. જો કે 1998થી અમે બન્ને સામ સામે લડ્યા. જૂનાગઢની ચૂંટણી હતી તે સમયે આપણા જ લખતા હતા કે, 50 વર્ષમાં જૂનાગઢનો કોઈ મંત્રી નથી થયો. પોરબંદર એ બાબતે સુખી છે કે, કેન્દ્રમાં મનસુખ માંડવિયા અને ગુજરાતમાં અર્જૂન મોઢવાડિયા મંત્રી છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતને અલગ થયે 65 વર્ષ થયા છે. આ 65 વર્ષમાં 35 વર્ષ પોરબંદરને પ્રધાનપદુ મળ્યું છે. જેમાં વિજયદાસ મહંત, શશીકાંતભાઈ લાખાણીના, મારા અને હવે અર્જૂનભાઈના વર્ષ ઉમેરાશે.

બાબુભાઈ બોખીરીયાએ કહ્યું કે,  કેન્દ્ર અને ગુજરાતમાં જ્યારે પોરબંદરના પ્રધાન હોય ત્યારે આપણે સૌએ એક થઈને પોરબંદરના વિકાસ માટે કામ કરવાનું છે. જો પહેલાની જેમ આપણે એક બીજા ટાંગા ખેંચવામાં રહીશું તો સમય જતો રહેશે. પોરબંદરના વિકાસ માટે જે તક મળી છે તે પણ ચાલી જશે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો