Kutch: નલિયામાં બિપરજોય વાવાઝોડાને લઇ લોકોનું કરાયું સ્થળાંતર, ઋષિકેશ પટેલે લીધી મુલાકાત, જુઓ video
કચ્છમાં ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાએ વાવાઝોડાની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. સ્થળાંતર કરાયેલા લોકો સાથે બંને પ્રધાન મળ્યા. બિપરજોય વાવાઝોડાને લઇ કેટલાય લોકોનું સ્થળાંતર કરાયું છે. 45 દિવસ ચાલી શકે તેવા દૂધ પાવડરનું પણ વિતરણ કરાયું છે.
Kutch: નલિયામાં વાવાઝોડાની (Cyclone Biparjoy) સૌથી વધુ અસર થવાની છે. જેને લઇ નલિયા અને આસપાસના વિસ્તારમાં તંત્ર ખડેપગે છે. રાજ્યના પ્રધાન ઋષિકેશ પટેલ અને પ્રફૂલ પાનસેરિયા નલિયાના મામલદાર ઓફિસે પહોંચ્યા હતા અને તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.
મળતી માહિતી અનુસાર, જખૌ અને આસપાસના વિસ્તારમાં 3 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એટલું જ નહિં શેલ્ટર હોમમાં રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે, તમામ ઉચ્ચ અધિકારીઓને સેટેલાઇટ ફોન આપવામાં આવ્યા છે. નલિયાથી ઋષિકેશ પટેલે સેટેલાઇટ ફોનથી મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી.
આ પણ વાંચો : ગુજરાત પર વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે બહાદૂર જવાનો અડીખમ, સેનાની 3 બટાલિયન સ્ટેન્ડ બાય, જુઓ Video
બીજી તરફ બિપરજોય વાવાઝોડાને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયો જાણે ગાંડોતૂર બન્યો છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં કરંટને કારણે ગોમતીઘાટ પર તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. તો પોરબંદરનો દરિયો પણ ગાંડો બન્યો છે.
આ તરફ ઓખાના દરિયામાં ભારે કરંટ દેખાતા કાંઠા વિસ્તારોમા સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સાથે જ કાંઠા વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. તો કચ્છના માંડવીના દરિયામાં પણ ઉંચા-ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
વાવાઝોડાના પગલે ગુજરાતનો દરિયો તોફાની બન્યો છે. જેને લઈ કચ્છના નલિયામાં વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવવા પ્રધાન ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ ખડે પગે નજર રાખી રહ્યા છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો