Ankleshwar GIDC માં લાગેલી આગમાં બે કંપનીઓ ભડકે બળી, 10 ફાયરફાઈટરોએ 3 કલાકે આગ ઉપર કાબુ મેળવ્યો

| Edited By: | Updated on: Sep 13, 2022 | 12:43 PM

અંકલેશ્વર જીઆઇડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં સોમવારે મધરાતે એક કલાકના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી.

અંકલેશ્વર(Ankleshwar) GIDC માં આવેલી કેમાતુર ચોકડી સ્થિત ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં મધરાતે એક વાગે શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં લાગેલી આગે બાજુમાં આવેલી કેમી ફાઇબર કંપનીને પણ ઝપેટમાં લઈ લીધી હતી. આગમાં બંને કંપનીઓ બાળીને ખાક થઇ ગઈ હતી. ફાયરબ્રિગેડે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગ એટલી વિકરાળ હતી કે તેની ઉપર કાબુ મળ્યો ત્યાં સુધીમાં મોટાભાગનો માલસામાન સળગી ગયો હતો. આગમાં લખો રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

અંકલેશ્વર જીઆઇડીસીની કેમાતુર ચોકડી નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં સોમવારે મધરાતે એક કલાકના અરસામાં આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનના સ્ટોરેજમાં રહેલી પ્લાસ્ટિકની ટાંકીઓ અને કેમિકલ્સના કારણે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા DPMC ના ફાયર ફાઈટરો સહિત પોલીસ દોડી આવ્યા હતા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના ભડકે બળતા ગોડાઉને બાજુમાં જ આવેલી કેમી ફાઇબર કંપનીને પણ ઝપેટમાં લઈ લેતા અફરાતફરી મચી ગઇ હતી.

ડીપીએમસી સહિત અન્ય કંપનીના 10 જેટલા ફાયર ફાઈટરોએ 3 કલાકની જહેમત બાદ મળસ્કે 4 કલાકે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે ત્યાં સુધીમાં ગોડાઉન અને બાજુમાં આવેલી કેમી ફાઇબર કંપનીમાં આગને પગલે ભારે નુકશાની પોહચી હતી. ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાવા પામી નથી.

 

Published on: Sep 13, 2022 12:43 PM