જુન મહિનો કોરોકટ રહ્યા બાદ જુલાઈમાં મેઘરાજાની જમાવટ, અમરેલી જિલ્લાને કર્યો તરબોળ- જુઓ Video

છેલ્લા બે દિવસથી અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મોડે મોડે પણ મેઘરાજા અમરેલી પર મહેરબાન થયા છે અને વાવણીલાયક વરસાદ વરસી રહ્ય છે, ત્યારે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

| Updated on: Jul 02, 2026 | 7:27 PM

રાજ્યમાં જુન મહિનો કોરો કટ્ટ રહ્યા બાદ જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની એન્ટ્રી થઈ છે. કવિ કલાપીના ગામ લાઠીમાં પણ ધોધમાર વરસ્યો છે. જ્યારે ભુરખિયા, ધામેલ, મેમદા, હજીરાધાર ગામમાં સારો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ છે.

આ તરફ ધોધમાર વરસાદને પગલે મેમદા ગામનો ચેકડેમ છલકાયો છે. નદીઓ અને ચેકડેમમાં પાણીની આવક થતા ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ છે. સીમ વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા માર્ગો તરબોળ થયા છે. સારા વરસાદને પગલે આગોતરા વાવેતરમાં નુકસાનની ચિંતા દૂર થઈ છે.

આ તરફ લિલિયા તાલુકામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો અને શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદે બેટીંગ શરૂ કરી. લીલીયાના સનાળીયા, ભેસાણ, કુતાણા ગામમાં વરસાદ વરસ્યો તો લીલીયા તાલુકાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે પિયતની ચિંતા કરી રહેલા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડીયા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે. પીપળીયા, દેવળકી, અરજણસુખ જેવા ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડિયા શહેરમાં પણ બે ઈંચ વરસાદ ખાબક્યો છે. બરવાળા બાવળમાં 2 ઈંચ, ઢૂંઢીયા પીપળિયા ગામે પણ 1.75 ઈંચ વરસાદ વરસ્યો છે. દેવળકી ગામે પણ એક ઈંચ વરસાદ વરસી ગયો છે.

આ તરફ બાબરા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર થઈ છે. બાબરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે શહેરની મુખ્ય બજાર પાણી-પાણી થઈ ગઈ. બાબરના દરેડ, ખાખરિયા, જામબરવાળા, કરિયાણા, લુણકી, ઈંગોરાળા સહિતના ગામોમાં વરસાદી મહેર જોવા મળી.

Junagadh: “ગરવો ગઢ ગિરનાર, વાદળો સાથે વાતું કરે” ઉક્તિને સાર્થક કરતા દૃશ્યો જુનાગઢથી આવ્યા સામે- જુઓ Video

 

Follow Us