અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 16 નવેમ્બર, ગુરુવારે અમદાવાદ શહેરમાં પાણી પુરવઠા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જાસપુર ખાતે આવેલા 200 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મહત્વપૂર્ણ જાળવણી અને લાઇન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે. સવારના પાણી સપ્લાય બાદ તબક્કાવાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
આ કામગીરીમાં લીલાપુર નજીક વાલ્વનું રિપેરિંગ અને સરખેજ હાઇવે નજીક પાઇપલાઇનનું રિપેરિંગ સામેલ છે. આ કામ દિવાળી પહેલા કરવાનું હતું, પરંતુ નાગરિકોને તકલીફ ન પડે તે માટે તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ એક દિવસની કામગીરી હોવાથી 16 નવેમ્બરે સપ્લાય આપ્યા બાદ આ કામ હાથ ધરાશે.
આ પાણીકાપને કારણે ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા, બોડકદેવ, થલતેજ, ભાડજ, હેબતપુર, શીલજ અને બોપલ-ઘુમા જેવા વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. આ ઉપરાંત, સરખેજ અને મક્તમપુરા વોર્ડના પુરવઠા સ્ટેશનો પણ અસરગ્રસ્ત થશે. AMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 16 નવેમ્બર માટે પાણીનો જરૂરી સંગ્રહ કરી રાખે. 17 નવેમ્બરના રોજ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણીનો સપ્લાય ફરીથી શરૂ કરવામાં આવશે.
સુરતના સચિન વિસ્તારમાં વેસ્ટેજના કપડાના ગોડાઉનમાં ભીષણ આગ, જુઓ Video