અંબાજીમાં વરસાદી માહોલ વચ્ચે ઉમટ્યા માઈ ભક્તો, પૂનમે ચંદ્રગ્રહણને કારણે બપોરે 12.30 પછી નહીં ચડે ધજા- Video

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવા માટે માનવ મહેરામણ દૂર દૂરથી ઉમટી રહ્યો છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ભાવિકો મા અંબાના દર્શન કરી ચુક્યા છે.

| Edited By: | Updated on: Sep 06, 2025 | 2:59 PM

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. સોમવારથી આ સાત દિવસીય ભાદરવી પૂનમના પરંપરાગત મહામેળાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ભાવિ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા છે. આજે ચૌદશના દિવસે સવારથી વરસાદી જમાવટ વચ્ચે મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તોએ ચાલુ વરસાદમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ માણી હતી. આવતીકાલે પૂનમના દિવસે મેળાનો અંતિમ દિવસ હોઈ આજે ભાવિકોનો ધસારો જોવા મળ્યો છે. ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણને કારણે બપોરે 12.30 વાગ્યા બાદ ધજા ચડાવવામાં નહીં આવે.

અંબાજીમાં આજ સવારથી વરસાદી માહોલ જામ્યો છે પરંતુ ભક્તોના ઉત્સાહને જરા પણ ડગાવી શક્યો નથી. ચાલુ વરસાદે પણ અંબાજીમાં માઈ ભક્તો માના દર્શને આવી રહ્યા છે. અંબાજી મંદિરને 5 દિવસમાં ₹2 કરોડ ઉપરાંત વિવિધ સેન્ટરો પરથી આવક થઈ છે. 2 હજાર જેટલી ધજાઓ મંદિરના શીખર પર ચડાવાઈ છે. પગપાળા આવતા માઈભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવિ સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સેવા કેમ્પો ચલાવવામાં આવી રહ્યા છે.

હજુ પણ અંબાજી જતા માર્ગો અને ગિરીમાળાઓ બોલ માડી અંબેના નાદથી ગૂંજી રહી છે. છેલ્લા 15 દિવસથી અંબાજી જતા માર્ગો પર આસ્થા અને શક્તિનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. માના દર્શન કર્યાની આનંદ સહુ કોઈ માઈ ભક્તોના ચહેરા પર ઝલકી રહ્યો છે. વરસાદ વચ્ચે પણ લોકો આરાસુરી ચોકમાં ગરબા રમી રહ્યા છે અને માના દર્શને ઉમટી રહ્યા છે. કિડીયારુ ઉભરાયુ તેવા માનવ મહેરામણના દૃશ્યો હાલ અંબાજીમાં તેમજ અંબાજી જતા માર્ગો પર જોવા મળી રહ્યા છે.

Input Credit- Jignasa Kalani- Ambaji

 

ભારતને જાતિવાદ પર ભાષણ આપનાર અમેરિકા પોતાની રંગભેદ નીતિનો લોહિયાળ ઈતિહાસ કેમ ભૂલી રહ્યુ છે?- વાંચો