જૂનાગઢ બાદ હવે બોટાદના રાણપુરમાંથી શિક્ષણ જગતને કલંક લગાવતી ઘટના સામે આવી છે. ફરી એક ગુરુએ શિક્ષણ જગતને શર્મસાર કર્યુ છે. રૂકમણી કન્યા શાળાના શિક્ષક પર કિશોરી સાથે છેડછાડ કર્યા હોવાના આરોપ લાગ્યા છે. છેડતીની ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. સપ્ટેમ્બર મહિનાની 16 અને 17 તારીખે ઘટના બની હતી. છેડતી કરનાર શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર કિશોરીના પિતાએ લંપટ શિક્ષક જાવેદ ચુડેસરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા જૂનાગઢમાં પણ આવી જ એક ઘટના બની હતી. જૂનાગઢના માળિયા હાટિનાની અમરાપુર ગામની પે સેન્ટર શાળાના શિક્ષક સામે વિદ્યાર્થિનીઓએ છેડતીનો આરોપ લગાવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી લંપટ શિક્ષકની કરતૂતનો ભોગ બની રહેલી બાળકીઓએ વાલીને જાણ કરતા સમગ્ર મામલાનો ભાંડાફોડ થયો હતો. 12 જેટલી બાળા સાથે લંપટ શિક્ષકે અડપલાં કર્યાં હોવાનો પણ આરોપ છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે શિક્ષક ક્લાસમાં બોલાવી શારિરીક અડપલા કરતા હતા. એટલું જ નહીં અગાઉ પણ ગિરીશ લાડાણી અંગે આચાર્યને જાણ કરાઇ હતી. સાથે જ વાલીઓએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી. જે પછી વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર શિક્ષકને પોલીસે ઝડપી પાડયો છે. હજુ સહ આરોપી શાળાના આચાર્યની ધરપકડ બાકી છે.