અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસેલા વરસાદમાં આખેઆખુ શહેર જાણે જળમગ્ન બની ગયુ હોય તેના દૃશ્યો અલગ-અલગ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે. વરસાદ રહી ગયાની ત્રણ કલાક બાદ પણ પાણી ઓસર્યા ન હતા અને રસ્તાઓ જળમગ્ન બનેલા છે. આવા સમયે ભારે વરસાદની આગાહીને જોતા સ્કૂલોમાંથી પણ વાલીઓને બાળકોને લઈ જવા માટેનું કહી દેવામાં આવ્યુ. ત્યારે ઠેકઠેકાણે પાણી ભરેલા હોવાથી લાખો લોકો એકસામટા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શહેરના તમામ માર્ગો જળમગ્ન બનેલા છે. દરેકે દરેક માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી લોકોને પારાવાર હાલાકીમાં મુકાવુ પડ્યુ.
લોકોના વાહનો બંધ પડી ગયા. પાણીમાં ઉતરીને ચાલવામાં લોકોના કપડા ભીના થઈ ગયા. સવારનો સમય હોવાથી કામ-ધંધે અને નોકરી પર જતા વર્ગને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. દર વખતે અમદાવાદમાં વરસાદ પડે અને આ જ પ્રકારે શહેરીજનોને હાલાકી વેઠવી પડે છે. સામાન્ય દિવસોમાં પોતાના ગંતવ્ય સ્થાને જ્યાં 20 થી 30 મિનિટમાં પહોંચી જવાતું હોય છે ત્યાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોવાથી અને ભારે ટ્રાફિજામને કારણે લોકોને કલાક-બે કલાકે માંડ પહોંચી શકે છે. શહેરીજનોની આ પીડા નફ્ફટ-નઘરોળ તંત્રને દેખાતી નથી.
શહેરમાં ચારેબાજુ ભરાયેલા પાણી અંગે જ્યારે tv9 ગુજરાતીએ શહેરના મેયરને સવાલ કર્યો તો તેઓ પણ આટલી જવાબદાર પોસ્ટ પર આસીન હોવા છતા નફ્ફટ દલીલ કરતા જોવા મળ્યા, “આખા વર્લ્ડમાં પાણી ભરાય છે. રણ હોય ત્યાં વરસાદ આવે તો ત્યાં પણ પાણી ભરાય.”
ત્યારે અમારે અહીં મેયર સાહેબને કહેવુ ઘટે કે વર્લ્ડના દેશોમાં અતિવૃષ્ટિની સ્થિતિમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. એકસામટો 30 થી 40 ઈંચ વરસાદ ખાબકી જાય, વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાય ત્યારે પાણી ભરાય છે. 2 ઈંચ વરસાદમાં માત્ર અમદાવાદમાં પાણી ભરાય છે. પોતાની નાકામી છુપાવવા મેયર આ પ્રકારની ગેરવાજબી દલીલ કરતા જોવા મળ્યા.
ખુદ મેયરને અહીં કહેતા સાંભળી શકાય છે કે દર વર્ષે AMC 1500 કરોડનો ટેક્સ વસુલે છે. ત્યારે આ ટેક્સના પૈસાનું થાય છે શું તે મોટો સવાલ છે. મેયરે અહીં એવા ખોખલા દાવા પણ કર્યા કે જે લઈએ છીએ તેના 12 ગણા આપીને કામ કરીએ છીએ. તો મેયર સાહેબ આ વર્ષે વરસાદની ઘટ વચ્ચે અમદાવાદ શહેરમાં પ્રિમોન્સુન કામગીરી 12 ગણા તો ભૂલી જાઉ 2 ગણી પણ દેખાઈ નથી રહી અને એટલા માટે આખા વર્લ્ડમાં પાણી ભરાય છે વાળી વાહિયાત દલીલ કરીને તમારે તમારી નાકામી છુપાવવી પડે છે. જો ટેક્સના પૈસાની નક્કર કામગીરી થઈ હોત તો આ પ્રકારે શહેરીજનોને બોટ લઈને નીકળવુ પડે તેવી સ્થિતિ સામાન્ય વરસાદમાં ન સર્જાતી હોત.
મેયરે પાણી ભરાવાની સમસ્યા અંગે વધુમાં જણાવ્યુ કે અમદાવાદ મહાનગરમાં 1 કરોડની જનતા સામે વરસાદી પાણીની લાઈન 1300 કિલોમીટરની છે. 3700 કિલોમીટરના રોડ છે. ડ્રેનેજ 5 હજાર કિલોમીટરની અંદર છે. આ સ્થિતિ સામે વરસાદી પાણીની લાઈન ઓછી છે. હવે નવુ ટીપી ડેવલપ થતુ હોય તો ત્યાં 3 લાઈનો કરવામાં આવે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
જો કે અહીં એક વાત સ્પષ્ટ છે કે અમદાવાદમાં ડબલ એન્જિન ની સરકાર હોય કે ત્રિપલ એન્જિનની સરકાર હોય પાણી તો ભરાશે, ભરાશે અને ભરાશે જ.. અને જનતાએ આમ જ હેરાન થતુ રહેવુ પડશે. આ તંત્ર પાસે ના તો નક્કર પ્લાન છે, ના તો નક્કર આયોજન છે કે ના તો એવા ભેજાબાજ ઈજનેરો છે, જેઓ પ્રોપર ડ્રેનેજની સિસ્ટમ ઉભી કરી શકે..