અમદાવાદમાં ચોમાસા પહેલા જ શહેરમાં ભૂવા પડવાનુ શરૂ થયુ ગયુ છે. શહેરના મકરબા વિસ્તારમાં પાવર હાઉસ રોડ પર આજે બીજો ભૂવો પડ્યો છે. ગઈકાલે પડેલા ભૂવાથી બરાબર 100 મીટરના અંતરે જ બીજો ભૂવો પડ્યો છે. રોડ પર બ્રિજની કામગીરીને લીધે સ્થાનિકો પહેલેથી જ પરેશાન છે. તો બીજી તરફ ભૂવા પડવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તંત્રની મંથર ગતિની કામગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. એક તરફ રોડની કામગીરી અને રસ્તા પર બે-બે ભૂવાને કારણે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં છાશવારે ભૂવા પડવાની ઘટના બનતી રહે છે. જો કે સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં રસ્તો બેસી જવાથી ભૂવા પડતા હોય છે. પરંતુ હવે તો વગર વરસાદે શહેરના રસ્તાઓ પર ભૂવા પડવા લાગ્યા છે. મકરબામાં પાવર હાઉસ રોડ પર ગઈકાલે અચાનક રોડ બેસી જતા મસમોટો ભૂવો પડ્યો હતો. અતુલ્યમ એપાર્ટમેન્ટ નજીક રસ્તા પરથી રિક્ષા પસાર થઈ રહી હતી. ત્યારે નાનકડા ખાડા નજીક પહોંચતા જ અચાનક રોડ બેસી જતા ધડાકા સાથે ભૂવો પડ્યો હતો. જેમા રિક્ષાનો આગળનો ભાગ ભૂવામાં ગરકાવ થયો. આ સમયે રિક્ષાનો કાચ તૂટી ગયો અને રિક્ષાનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કાચ તૂટી જવાથી રિક્ષા ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હતી.
હજુ તો આ ઘટનાની કળ વળી નથી. ભૂવાનું સમારકામ પણ પૂરું હાથ ધરાયું નથી ત્યાં જ. આ ભૂવાથી 100 મીટરના અંતરે જ બીજો ભૂવો પડતાં લોકોમાં આક્રોશ છે. સવાલ એક જ છે કે ઉનાળામાં આ સ્થિતિ છે તો ચોમાસામાં શું થશે ?