Ahmedabad : આકાશમાં ફાયટર પ્લેન અને હેલીકોપ્ટરની ઘરઘરાટી, લોકોમાં ઉત્તેજના સાથે રોમાંચ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયું રિહર્સલ

|

Oct 16, 2022 | 7:06 AM

અટલબ્રિજથી જમાલપુર બ્રિજ વચ્ચેની નદીમાં હેલિકોપ્ટરમાંથી સેનાના જવાનો વિવિધ પ્રકારનાં કરતબો બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ આ કરતબ જોવા એકત્ર થાય છે.

ગુજરાતમાં (Gujarat)  પહેલીવાર યોજાનારા ડિફેન્સ એક્સપો (Defense Expo 2022)  અતંર્ગત ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ આયોજન કરાયાં છે, જેમાં અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું છે.  18 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રિવરફ્રન્ટ પર સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી એર શૉ યોજાવાનો છે. આ એર શૉને લઈને એરફોર્સ અને આર્મી દ્વારા રિવરફ્રન્ટ પર રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના આકાશમાં રોજ સાંજે અલગ-અલગ હેલિકોપ્ટર ઉડતા નજરે ચઢે છે. આ હેલિકોપ્ટર દ્વારા એર શૉની (Air Show) તૈયારી માટે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. અટલબ્રિજથી જમાલપુર બ્રિજ વચ્ચેની નદીમાં હેલિકોપ્ટરમાંથી સેનાના જવાનો વિવિધ પ્રકારનાં કરતબો બતાવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ આ કરતબ જોવા એકત્ર થાય છે.

રિવરફ્રન્ટ પર NDRF અને ફાયરની ટીમ ખડેપગે

જોકે રિવરફ્રન્ટના (Sabarmati Riverfront) પટ્ટા પર કોઈપણ નાગરિકને પ્રવેશ આપવામાં નથી આવ્યો. એર શૉમાં ઇન્ડિયન એરફોર્સનું બેસ્ટ હેલિકોપ્ટર સારંગ આ વખતે ભાગ લેશે.  આ ઉપરાંત નાનાં-નાનાં હેલિકોપ્ટર દ્વારા પણ વિવિધ કરતબ કરવામાં આવશે. આ ઉપરાંત અત્યારે રેસ્ક્યૂનું પણ રિહર્સલ કરવામાં આવે છે, જે એર શૉમાં મુખ્ય આકર્ષણ બની રહેશે. ઇન્ડિયન નેવીનું સીકિંગ હારપુન હેલિકોપ્ટર પણ રોજ સાંજે રિવરફ્રન્ટ પર રિહર્સલ માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.  રિવરફ્રન્ટ પર NDRF અને ફાયરની ટીમ તકેદારીના ભાગરૂપે રાખવામાં આવી છે.

 

(ઈનપૂટ ક્રેડિટ – દર્શન રાવલ, અમદાવાદ) 

Published On - 7:05 am, Sun, 16 October 22

Next Video