Ahmedabad: તહેવારોને પગલે શહેરમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, રામનવમીમાં થયેલી હિંસા બાદ ગુપ્તચર એજન્સી પણ સતર્ક
તહેવારોને પગલે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સતર્ક બની છે. રામનવમીમાં થયેલી હિંસા બાદ ગુપ્તચર એજન્સી પણ સતર્ક છે.
આજે અક્ષય તૃતિયા (Akshay Tritiya) અને ઇદ (Eid)નો પર્વ એકસાથે દેશભરમાં મનાવવામાં આવી રહ્યો છે. આ સાથે જ પરશુરામ જયંતીની પણ ઉજવણી થઇ રહી છે. એક સાથે આ તમામ ઉજવણી થઇ રહી હોવાથી અમદાવાદમાં (Ahmedabad) કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ (Police alert) મોડ પર છે. શહેરના ખુણે ખુણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારો મનાવી શકે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તહેવારોને પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. રામનવમીમાં થયેલી હિંસા બાદ ગુપ્તચર એજન્સી પણ સતર્ક છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ છે. તો ડ્રોન દ્વારા શહેરના ખુણા ખુણામાં સુરક્ષા ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં શહેરના શાહપુર અને કારંજ વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યુ.
ઈદ અને પશુરામ જયંતી આ બંને તહેવારની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે. તહેવારને લઈને અમદાવાદમાં 5 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તહેનાત છે અને કોઈ અઘટિત ઘટના ન બને તેના પર વોચ રાખી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં 5 JCP, 10 DCP, 18 ACP, 60 PI, સહિત 300 PSI અને 5000 જેટલા પોલીસ જવાનોની સાથે 700 જેટલી મહિલા પોલીસ પણ તહેનાત છે. સાથે જ SRPની કંપની પણ પોલીસની સાથે બંદોબસ્તમાં છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ખાસ વોચ છે, જેમાં ડ્રોન મારફતે નાની નાની શેરીઓથી લઈને ધાર્મિક સ્થળોની આસપાસ બાજ નજર રાખવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરે કહ્યું કે કોઈ અફવા ન ફેલાય તે માટે પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. મૌખિક અફવા પર પણ પોલીસના બાતમીદારો વોચ રાખી રહ્યાં છે. જો કોઈ વ્યક્તિ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે.