અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સેંકડો લોકોના મોત થયા છે. પ્લેનમાં સવાર તમામ યાત્રિકોના મોત થયા છે. બપોરના સમયે પ્લેને અમદાવાદ ઍરપોર્ટથી લંડન જવા માટે ઉડાન ભરી હતી અને થોડી જ સેકન્ડોમાં પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં ઝાડની સાથે ટકરાતા ક્ષતિગ્રસ્ત થયુ અને ફ્રેક્શન ઓફ સેકન્ડના સમયગાાળામાં પ્લેનમાં ભયાનક વિસ્ફોટ થયો અને આખેઆખુ પ્લેન અગનગોળામાં ફેરવાઈ ગયુ હતુ. પ્રચંડ આગની જ્વાળાઓમાં પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. માત્ર એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે અનેક માનવ અંગોના ચીંથડેચીંથડા ઉડી ગયા હતા. હાલ સિવિલ હોસ્પિટલમાં જે હાલતમાં લાશો આવી છે તેને જોઈને કોઈપણ વ્યક્તિની કંપારી છુટી જાય.
અમદાવાદની સિવિલ હોસ્પિટના પીએમ રૂમમાં લાશોનો ખડકલો જે સ્થિતિમાં જોવા મળી રહ્યો છે તેને જોતા તો એવુ જ લાગી રહ્યુ છે કે હતભાગી પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહો પણ પુરા નહીં મળી શકે તે પણ અવશેષોમાં મળે તેવી સ્થિતિ છે. કેટલાક મૃતદેહો સંપૂર્ણપણે આગમાં ભડથુ થઈ ગયા છે. જેને જોઈને તેની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. આ હતભાગી પરિવારોને DNA ટેસ્ટ કર્યા બાદ મૃતદેહ સોંપવા પડે તેવી કરુણ સ્થિતિ સર્જાઈ છે.
12 જૂનની બપોરે અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી કરુણાંતિકા સર્જાઈ ગઈ. જેમા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું પણ અવસાન થયુ છે. પૂર્વ CM વિજય રૂપાણી પણ લંડન જવા માટે આ ફ્લાઈટમાં સવાર હતા અને તેમનું પણ મૃત્યુ નિપજ્યુ છે.
હાલ સિવિલ હોસ્પિટલ બહાર મૃતકોના પરિજનોની લાઈનો લાગી છે અને DNA મેચ કરવા માટેની પ્રોસેસ ચાલી રહી છે. પ્લેનક્રેશની આ દુર્ઘટનાને કારણે અનેક પરિવારોમાં માતમ છવાયુ છે. આ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે.
Published On - 12:23 am, Fri, 13 June 25