Sabarmati River Pollution : અમદાવાદના મેયરે જણાવ્યું હતું કે, સાબરમતી નદીમાં AMC દ્વારા ટ્રીટ કરેલું પાણી જ છોડવામાં આવે છે પરંતુ ક્યાંક કોઈક જગ્યા એવી હશે કે જ્યાંથી અમદાવાદ શહેરના બહારના વિસ્તાર કે જ્યાંથી સાબરમતીની શરૂઆત થઈ છે એ વિસ્તારની અંદર કોઈ ફેક્ટરી કે ઓદ્યોગિક એકમનું જોડાણ હશે ત્યાંથી પ્રદૂષિત પાણી થઈ રહ્યું છે. તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર યોગ્ય પગલા લેશે.
સાબરમતીમાં પ્રદૂષણ મામલે TV9ના અહેવાલની અસર થઈ છે. મોડે-મોડેથી જાગેલા મેગા લાઈન અને કોર્પોરેશન હરકતમાં આવ્યા છે. 17 જેટલા ગેરકાયદેસરના કનેક્શન માત્ર પીપળજમાં જ કાપવામાં આવ્યા છે. સાબરમતીમાં ગેરકાયદે ટ્રીટ કર્યા વિના જ મેગા લાઇનમાં કેમિકલયુક્ત ગંદુ પાણી ઠલવાતું હતું. જે લોકો માટે નુકસાન કારક છે. જેથી કનેક્શન કપાયા છે.
જો કે હજુ અનેક એકમોનું ગંદુ પાણી મેગાલાઈનમાં છોડાતું હોવાનું અનુમાન છે. જો કે મોડે-મોડે જાગેલા તંત્ર સામે પણ કાર્યવાહીને લઈને શંકા સેવાઈ રહી છે. મેગા લાઈન વિભાગ માત્ર નજીવા કનેક્શન કાપી કામનો દેખાડો કરતું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કોઈ પગલાં લીધા નથી. ગેરકાયદે પાણી છોડતાં 17 એકમો સામે GPCBએ કોઈ કાર્યવાહી કરી નથી તેમજ ઔદ્યોગિક એકમોને નોટિસ તેમજ દંડ આપવાની પ્રક્રિયા પણ કરાઈ નથી.
સાબરમતીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવાની છે. જેમાં જવાબદાર તંત્રને ફટકાર પણ લાગી શકે છે. અગાઉ અમદાવાદના મેયરે દાવો કર્યો હતો કે, સાબરમતી નદીમાં AMC દ્વારા ટ્રીટ કરેલું પાણી જ છોડવામાં આવે છે પરંતુ TV 9 ના કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા હતા. અમદાવાદના વિશાલા બ્રિજ નીચેના નદીના પટમાં ખુલ્લેઆમ પ્રદૂષિત પાણી છોડાઈ રહ્યું હતું. કોકાકોલા જેવું દેખાતું પ્રદૂષિત ઝેરી પાણી કેમેરામાં કેદ થયું હતું. આ પ્રદૂષિત પાણીના પાપે સાબરમતી નદીના અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે.