અમદાવાદમાં ચંડોળા બાદ મકરબામાં શરૂ થઈ ડિમોલિશન ડ્રાઈવ, 292 મકાનો ગેરકાયદે મકાનો તોડી પડાયા- Video

અમદાવદમાં મકરબા વિસ્તારમાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી આજે મનપાની દબાણ હટાવ ટીમ દ્વારા સવારથી જ હાથ ધરવામાં આવી છે. જેમા અનેક રહેણાક મકાનો સહિતના અન્ય બાંધકામો તોડી પાડી ટીપી સહિતની જગ્યા ખુલ્લી કરાઈ છે. ત્યારે 292 જેટલા મકાનો તોડી પડાતા અનેક પરિવારો હાલ નિરાધાર બન્યા છે.

| Edited By: | Updated on: May 16, 2025 | 2:11 PM

અમદાવાદમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી યથાવત છે. અમદાવાદમાં મોટા પાયે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઈવ કરવામાં આવી હતી. જે બાદ હવે મકરબા વિસ્તારમાં સરકારી જમીન પર પાકા મકાન ચણીને કરાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ છે. અહીં કુલ 292 ગેરકાયદે મકાન ચણીને દબાણો કરાયા છે. આ તમામ મકાનોને જમીનદોસ્ત કરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ટીપી ખુલ્લી કરવામાં આવી છે.  વર્ષ 2022માં દબાણ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો મકાન માં રહેતા લોકો પુરાવા રજૂ કરશે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની વાત હાઇકોર્ટ કરી હતી પરંતુ કોઈએ યોગ્ય પુરાવો રજૂ ન કરતા મનપાએ હવે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે.

આ તરફ દબાણકર્તા સિરીનબાનુંનો આરોપ છે કે મનપા દ્વારા તેમને માત્ર એક કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ. અગાઉ ત્રણ નોટિસ આપી હતી પરંતુ સામાન હટાવવા માટે માત્ર એક કલાકનું અલ્ટીમેટમ આપ્યુ. માત્ર આટલા ઓછા સમયગાળામાં સામાન કેવી રીતે ફરી શકે. મહિલાએ રડતા રડતા રજૂઆત કરી પરંતુ તંત્રના કોઈ અધિકારી દ્વારા તેની વાત કાને ધરાઈ ન હતી.

અહીં સરકારી જમીન પર વર્ષોથી પાકા મકાનો બાંધીને દબાણ કરવામાં આવ્યા છે. જેને આજે તોડી પાડવામાં આવ્યા છે. સરકાર દ્વારા બહાર પડાયેલી ટીપીને ખુલ્લી કરી આગામી સમયમાં શાળા અથવા તો ગાર્ડન સહિતની કામગીરી કરાશે. જો કે આક્ષેપ એ પણ થઈ રહ્યા છે કે અહીં રહેતા તમામ દબાણકર્તાઓના રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ પણ બની ગયા અને તેમના મત પણ મેળવી લેવાયા ત્યા સુધી તંત્રના ધ્યાને ન આવ્યુ કે અહીં ગેરકાયદે દબાણ કરાયુ છે. આજે આ તમામ લોકોની કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તેમના મકાનો તોડી પાડવાની કામગીરી સરકાર કરી રહી છે. ત્યારે નિરાધાર બનેલા આ લોકોનું શું તે પણ મોટો સવાલ છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 2:04 pm, Fri, 16 May 25