Ahmedabad: કિડની હોસ્પિટલના ડાયરેકટર બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, આ રીતે ઠગી રહ્યા છે ડીજીટલ ઠગ
Ahmedabad: કિડની હોસ્પિટલના ડાયરેકટર સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય એવી વાત સામે આવી છે. કોઈએ તેમનું એકાઉન્ટ હેક કરી લોકો પાસે નાણા માંગ્યા હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આજકાલ સાઈબર ક્રાઈમનો ભોગ સૌ કોઈ બની રહ્યા છે. અભણથી માંડીને દિગ્ગજો પણ આનો શિકાર થયા છે. ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલના ડાયરેકટર સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ડૉ. વિનીત મિશ્રાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે. ત્યાર બાદ તેમના જ ફેક એકાઉન્ટ મારફતે અલગ-અલગ લોકો અને સંસ્થા પાસે રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાનું પણ ખુલ્યું છે. ફેક એકાઉન્ટ મારફતે લોકો પાસેથી 6 હજારથી લઈને 20 હજાર રૂપિયા સુધીની માગણી કરવામાં આવી રહી છે. આ અંગે ડૉ.વિનીત મિશ્રાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ કોઈ ફેક એકાઉન્ટથી પૈસાની માંગણી કરે તો પૈસા ન આપવા પણ તેમણે અપીલ કરી છે.
જાહેર છે કે આવી ઘટનાઓ હવે છાશવારે બની રહી છે. ફેસબુક એકાઉન્ટ હેક થવું અને એ જ નામથી અલગ ફેક એકાઉન્ટ બનાવીને પૈસાની માંગણી કરવામાં આવતી હોવાના ઘણા કેસ સામે આવી રહ્યા છે. દિવસેને દિવસે સાઈબર ઠગ ઠગી કરવાના નવા પેંતરા શોધી જ કાઢતા હોય છે. ત્યારે ડૉ. વિનીત મિશ્રાએ કહ્યું કે, ‘મેં પોલીસ કમિશનર અને સાહીબાગ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેઇન કરેલી છે. અને તેઓ તાત્કાલિક પગલા લઇ રહ્યા છે. મારા નામે આવી કોઈ માંગણી આવે તો અનુદાન આપવું નહીં.’