અમદાવાદના વિરાટનગર વિસ્તારના જવાને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડતાં-લડતાં શહીદ થયેલા 25 વર્ષીય મહિપાલસિંહનો પાર્થિવ દેહ વિરાટનગરમાં તેમના નિવાસસ્થાને લવાયો છે. તેમના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમના પરિવારને સાંત્વના પાઠવવા મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે ઉમટી પડ્યા હતા.
તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ શહીદ મહિપાલસિંહના નિવાસ્થાને પહોંચી શ્રદ્ધાંજલિ આપી હતી. મહિપાલસિંહ પાંચેક વર્ષ પહેલાં ભારતીય સેનામાં જોડાયા હતા. શરૂઆતમાં તેમણે જબલપુરમાં ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ ગુવાહાટી અને ચંડીગઢમાં ફરજ બજાવી હતી અને 6 મહિના પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું. તેઓ સેનાની વિશેષ ટુકડી 34 રાઈફલમાં સેવા આપતા હતા.
શહીદ મહિપાલસિંહ એક મહિના પહેલાં જ અમદાવાદ આવ્યા હતા. મહિપાલસિંહનાં લગ્ન ત્રણેક વર્ષ પહેલાં થયાં હતા. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેઓને પ્રસૂતિનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : આ પરિવાર 73 વર્ષ જૂની ‘લાલપરી’ માં જશે ભારતથી લંડન, 16 દેશોમાંથી 12 હજાર કિમીનો કરશે પ્રવાસ, જુઓ Video
એક તરફ મહિપાલસિંહનાં પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આભ તૂટી પડ્યું છે. પરિવારજનોમાં ભારે આક્રંદ છે. આંખમાંથી આંસુ સૂકાતા નથી. તેમના પરિવારમાં તેમની પત્ની, માતા મોટાભાઈ અને બે બહેનો છે.
Published On - 6:14 pm, Sun, 6 August 23