Ahmedabad: AMCની રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ બની વેગવંતી, શહેરમાં વધુ ત્રણ નવા ઢોરવાડા બનશે

|

Aug 29, 2022 | 8:42 PM

Ahmedabad: અમદાવાદમાં કોર્પોરેશનની ઢોર પકડ ટીમ દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જેમાં રોજના 150થી વધુ ઢોરને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઢોરને રાખવા માટે હવે શહેરમાં ત્રણ નવા ઢોરવાડા પણ બનાવવામાં આવશે. 

અમદાવાદ (Ahmedabad)માં વધુ ત્રણ નવા ઢોરવાડા બનાવવામાં આવશે, જેમા લાંભામાં એક અને નરોડામાં બે ઢોરવાડા (Cattle Sheds) બનાવવામાં આવશે. રખડતા ઢોર મામલે તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી બાદ શહેરના ઢોરવાડા હાઉસફુલ થયા છે. જેમાં બાકરોલ સ્થિત ઢોરવાડામાં 1050 અને દાણીલીમડામાં આવેલા ઢોરવાડામાં 1800 ઢોરને પાંજરે પુરવામાં આવ્યા છે. આ ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની 21 ટીમો કામે લાગી છે. જેમાં રોજના 150 ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે. સતત આ પ્રકારે જ કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. કામગીરીમાં અડચણરૂપ બનતા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

નરોડામાં બે અને લાંભામાં એક મળીને કુલ ત્રણ નવા ઢોરવાડા બનશે

આપને જણાવી દઈએ કે નરોડામાં જે ઢોરવાડો બનશે, તેમાં બે શેડની વ્યવસ્થા કરવામાં આવશે અને લાંભા ખાતે ઈન્દિરાનગર ત્રણ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત અગાઉની જે વ્યવસ્થા છે, ત્યાં આ કેટલ્સને અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. જ્યાં વેટરનરી ડૉક્ટર, પશુઓ માટે ઘાસચારાની અને પાણીની પૂરતી વ્યવસ્થા સહિતની તમામ બાબતોને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરની સમસ્યા બાબતે હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હાલ તંત્ર દ્વારા ઢોર પકડવાની જે કામગીરી થઈ રહી છે, તેમાં ઢોરોની સંખ્યા વધતા આખરે ઢોરને રાખવા માટે નવા ઢોરવાડા બનાવવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

Next Video