Video: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક મહત્વનો નિર્ણય, ગ્રેજ્યુએશનનો સમયગાળો 3 વર્ષને બદલે 4 વર્ષનો રહેશે
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી શૈક્ષણિક વર્ષ 2023-24થી ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનનો સમયગાળો 3 વર્ષના બદલે 4 વર્ષનો રહેશે.
આગામી શૈક્ષણિક વર્ષ 2023-24થી ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશનનો સમયગાળો 3 વર્ષને બદલે 4 વર્ષનો રહેશે. ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી. જેમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા. જે અંતર્ગત નવી શિક્ષણ નીતિ મુજબ હવેથી વિદ્યાર્થીઓને 4 વર્ષના અભ્યાસ બાદ ગ્રેજ્યુએશન કોર્ષની ડિગ્રી મળશે. આ ઉપરાંત બેઠકમાં જર્જરિત હોસ્ટેલને પાડી નવી હોસ્ટેલ તૈયાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીની એકેડમીક કાઉન્સિલની બેઠકમાં આર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિ અને રંજન ગોહિલ નામની પૂર્વ અધ્યાપિકા તરફથી મળેલી તમામ ફરિયાદોને બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. યુનિવર્સિટી સત્તા મંડળ દ્વારા બંને તરફથી મળેલી ગંભીર ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં કોઈ તથ્ય ન જણાતા તેને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવી છે. પી.પી. પ્રજાપતિ ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યા ભવનમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા ત્યારે તેમના પર આરોપ લાગ્યો હતો કે સત્તાનો દૂર ઉપયોગ કરીને તેમણે MSW વિભાગમાં એક મહિલા અધ્યાપિકાને ખોટી રીતે નિમણૂક આપી હતી. માત્ર એટલું જ નહીં પ્રોફેસર પ્રજાપતિએ રંજન ગોહિલને ખોટી રીતે પીએચડીની ડીગ્રી અપાવી હોવાનો પણ આક્ષેપ છે.
જે વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ક્ષેત્રમાં વધુ રસ છે તેમના માટે હવે ગુજરાત યુનિવર્સિટી ટેકનીકલ કોર્ષ અને ફાર્મસીને લગતા અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થવા જઈ રહ્યાં છે. ફાર્મસી અને ટેકનોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમો ગુજરાત યુનિવર્સીટી શરૂ કરવા જઈ રહી છે. જે માટે આગામી શૈક્ષણિક સત્રથી પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરશે. આ કોર્ષમાં બીટેક, એરોનોટીક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ, ઓરોઝન ટેકનોલોજી કોર્ષ શરૂ કરવામાં આવશે.