Ahmedabad: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ઈકો કારમાં સવાર 5 લોકોને કાળ ભરખી ગયો
અકસ્માતમાં મૃત્યુ પામનારા ખેડા જિલ્લાના વારસંગના ઠાકોર પરિવારના સભ્યો હોવાની માહિતી છે. આ પરિવારના સભ્યો બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા જતા હતા.
બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા જતો એક પરિવાર કાળનો કોળિયો બની ગયો. અમદાવાદ જિલ્લાના ધોળકાથી બગોદરા હાઈવે (Dholka-Bagodra Highway) પર ઈકો કારનો અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત (Death) થયા છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
અકસ્માતમાં 5ના મોત
ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી. ઈકો કારમાં પાંચ પુરૂષ, 6 મહિલા અને ચાર બાળકો એમ કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી પાંચના મોત થયા છે. અકસ્માત બાદ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માત વિશે 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાઈ હતી. ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
માતાજીના દર્શન કરવા જતો હતો પરિવાર
અકસ્માતમાં મૃત્યુ પામનાર ખેડા જિલ્લાના વારસંગના ઠાકોર પરિવારના સભ્યો હોવાની માહિતી છે. આ પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શનકરવા જતા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતા, જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં.
મહત્વનું છે કે 10 દિવસ પહેલા આ જ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં પણ ત્રણ મુસાફરોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ Surat: ગૃહ રાજ્ય પ્રધાન કેમિકલ ગેસ લીકમાં ઈજાગ્રસ્ત દર્દીઓને મળ્યા, ગંભીરતા પૂર્વક તપાસની ખાતરી આપી