Gandhinagar : તલાટી (Talati) કમ મંત્રીઓ ગેરહાજર રહેતા હોવાની રાજ્યભરમાંથી ફરિયાદો મળતાં હવે સરકાર એક્શનમાં આવી છે. ગેરહાજર રહેતા તલાટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વિકાસ કમિશનરે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં ગેરહાજર રહેતા તલાટીઓને લઈ કાર્યવાહી માટે આદેશ અપાયા છે.
તલાટી કમ મંત્રી હાજર ન રહેતા હોવાની પંચાયત વિભાગને ફરિયાદો મળી હતી. જેના પગલે વિકાસ કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રજા પર જતા પહેલા તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. આ સાથે એક કરતા વધુ ગામો ફાળવેલા હોય, તો ગામો વચ્ચે સરખા દિવસો વહેંચીને હાજર રહેવા સૂચના આપી છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારીને ગામની આકસ્મિક મુલાકાત લેવા સૂચના આપી છે.
અધિકારીઓની મુલાકાત દરમિયાન જો કોઈ તલાટી ગેરહાજર હોય તો તેને જાણ કરી રજા કપાત કરવા પણ સૂચના આપી છે. તેની પાસે રજા જમા ન હોય તો પગાર કપાત રજા ગણવા માટેની પણ કડક સૂચના આપવામાં આવી છે. તો બીજી વખત ગેરહાજર રહે તો આવી સ્થિતિમાં કારણદર્શક નોટિસ આપી કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે.