અમદાવાદમાં 500 જેટલી હોસ્પિટલને લાગી શકે છે તાળા, જાણો શું છે કારણ

|

Jan 22, 2022 | 6:57 AM

સપ્ટેમ્બર 2021માં એએમસીએ બીયુ પરમિશન ના હોવાને કારણે શહેરની 41 હોસ્પિટલોને સીલ કરી હતી. ત્યારે હવે શહેરની વધુ 500 હોસ્પિટલો પર બંધ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

અમદાવાદ (Ahmedabad) શહેરની 500 જેટલી હોસ્પિટલો પર બંધ થવાની અણી પર છે. કોર્પોરેશન બીયુ પરમિશન (BU Permission) ફરજિયાત કરે તો શહેરમાં આવેલી 500 હોસ્પિટલ્સને તાળા વાગી શકે છે. માર્ચ 2022માં 2000 હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રીન્યુ થવાનું છે. જેમાંથી 440 હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નથી અને કેટલીક હોસ્પિટલ્સ બીયુ પરમિશનનું ઉલ્લંઘન કરીને ચાલી રહી છે. ત્યારે હોસ્પિટલો (Hospitals)નું રજીસ્ટ્રેશન રીન્યુ કરવામાં બીયુ ફરજિયાત કરવામાં આવે તો 500 હોસ્પિટલો બંધ થઈ શકે છે.

સપ્ટેમ્બર 2021માં એએમસીએ બીયુ પરમિશન ના હોવાને કારણે શહેરની 41 હોસ્પિટલોને સીલ કરી હતી. ત્યારે હવે શહેરની વધુ 500 હોસ્પિટલો પર બંધ થવાનો ખતરો તોળાઈ રહ્યો છે. માર્ચમાં એએમસી દ્વારા 2 હજાર હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રીન્યુ કરવામાં આવશે. એએમસીએ રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે બીયુ પરમિશન ફરજિયાત કરી છે. આ ઉપરાંત જે હોસ્પિટલ પાસે બીયુ પરમિશન છે તેવી હોસ્પિટલોનું બાંધકામ એએમસીને સબમિટ કરવામાં આવેલા પ્લાન મુજબ છે કે નહીં તેની તપાસ પણ એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશનની ચકાસણી કર્યા પછી જ હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરવામાં આવશે.

અમદાવાદમાં આવેલી 2 હજાર હોસ્પિટલમાંથી 440 હોસ્પિટલો પાસે બીયુ પરમિશન જ નથી. જ્યારે ઘણી હોસ્પિટલ બીયુનું ઉલ્લંઘન કરીને ચાલે છે. ત્યારે આવી 500 હોસ્પિટલો બંધ થઈ શકે છે. આ અંગે એએમસીના અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે એસ્ટેટ વિભાગના અધિકારીઓ બીયુ અંગે ભ્રષ્ટાચાર કરે છે.

અગાઉ એએમસી દ્વારા ડોક્ટરોને તેમના નિવાસસ્થાને કન્સલ્ટન્ટ રૂમ રાખવાની મંજુરી આપવામાં આવી હતી. જોકે કેટલાક ડોક્ટરોએ રહેણાંક મકાનોમાં હોસ્પિટલો શરૂ કરી દીધી છે. આ રહેણાંક મકાનો પાસે બીયુ પરમિશન છે પરંતુ તે બીયુ પરમિશન રહેણાક મકાન માટે આપવામાં આવેલી છે. હોસ્પિટલ માટેની બીયુ પરમિશનના નિયમો અલગ હોય છે. ત્યારે આવી હોસ્પિટલોને રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરવામાં મુશ્કેલીઓ પડશે.

અમદાવાદ શહેરમાં અંદાજે 100 જેટલી હોસ્પિટલો રહેણાંક મકાનોમાં ચાલે છે. જ્યારે 440 હોસ્પિટલ પાસે બીયુ પરમિશન જ નથી. આમ 540 ખાનગી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રદ્દ થઈ શકે છે.

બીજી તરફ આહના સંસ્થાએ માગ કરી છે કે જે જે નવા વિસ્તારો એએમસીમાં સમાવવામાં આવ્યા છે ત્યાં બીયુનો પ્રશ્ન છે. જ્યારે આ વિસ્તારો એએમસીમાં નહોતા ત્યારે બીયુની વ્યવસ્થા નહોતી. આ ઉપરાંત કોમર્શિયલ કોમ્પલેક્સમાં બીયુનો પ્રશ્ન છે. ત્યારે આવા સ્થળે ડોક્ટર્સને બદલે બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવે.

હોસ્પિટલોએ દર વર્ષે માર્ચમાં રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરાવવું ફરજીયાત છે. હોસ્પિટલ્સે રજીસ્ટ્રેશન રિન્યુઅલ કરવા માટે ઓનલાઇન અરજી કરવી પડશે અને અરજી કરવા માટે બીયુ પરમિશન મેળવવાની રહેશે જ. ત્યારે આ વર્ષે બીયુ વિનાની અને બીયુનું ઉલ્લંઘન કરતી હોસ્પિટલોનું રજીસ્ટ્રેશન રદ થવાનો ખતરો ઉભો થયો છે.

આ પણ વાંચો-

ગુજરાતમાં સરકારે જાહેર કર્યા નવા નિયંત્રણો, રાજયના 27 શહેરોમાં રાત્રિ કરફ્યુ 

આ પણ વાંચો-

મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

 

Next Video