જૂનાગઢમાંથી ફરી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. આ જથ્થો લિસ્ટેડ બુટલેગર અને ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ ધીરેન કારીયાએ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો છે. બટાકાની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સાબલપુર નજીકથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
આ પણ વાંચો : Gujarati video: જૂનાગઢમાં ખાડામાં બાઇક ખાબકતા આશાસ્પદ યુવકનું મોત, પરિવારજનોનો તંત્રની બેદરકારીનો આક્ષેપ
પોલીસે 229 પેટી દારૂના જથ્થા સાથે કુલ 18.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ દેવદત્ત બસીયા નામના શખ્સની ધરપકડ કરી છે. તો બીજી તરફ દારૂનો જથ્થો મંગાવનારા ધીરેન કારીયા અને ભગા ભારાઇ ફરાર થઇ ગયા છે.
આ અગાઉ રાજકોટના જસદણના કોઠીના નાલા વાડી વિસ્તારમાંથી વિદેશી દારુ ઝડ્પાયો હતો. જે જસદણ નગરપાલિકાના મહિલા સભ્યના પતિની વાડીમાંથી વિદેશી દારુ મળ્યો હોવાનું સામે આવી રહ્યું હતું. રાજકોટની રૂરલ LCBએ વાડીના મકાનમાં દરોડા પાડતા 341 વિદેશી દારૂની બોટલો સહિત 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં આરોપી મેહુલ ઉર્ફે રાજા કુંભાણી ફરાર થયો હતો. પોલીસે આરોપી રાજા કુંભાણીની ધરપકડ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈ કાલે સુરતમાં કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલ દારૂના કેસમાં ઝડપાયા હતા. ઉમરા પોલીસે કારમાં દારૂ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આ યુવકની પૂછપરછમાં દારૂ કોંગ્રેસના નેતા મેઘના પટેલે મંગાવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. ઉમરા પોલીસે કાર સાથે 7 લાખ 65 હજારનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો અને કોંગ્રેસના મહિલા નેતા મેઘના પટેલ સહિત 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published On - 7:25 am, Fri, 3 March 23