સુરતના કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. ઝરીના કારખાનામાં કામ કરતા 7 કારીગરો દોઝ્યા હોવાનું સામે આવ્યુ છે. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો આજે વહેલી સવારે કારીગરો રસોઈ બનાવવા માટે ગેસ ચાલુ કરતા જ રુમમાં બ્લાસ્ટ થયો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતો હોવાના કારણે આ સમગ્ર ઘટના બની હતી. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત તમામ કારીગરોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. દાઝેલા તમામ કારીગરો 18 થી 27 વર્ષની ઉમરના હોવાનું સામે આવી છે. કતારગામ પોલીસે સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ ગઈકાલે રાત્રે રાજકોટના પડધરીમાં મોડી રાત્રે પડધરી પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. રાતભર ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં સવાર સુધી 70 ટકા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. કંપનીમાં પ્લાસ્ટિકના દાણા હોવાના કારણે આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતુ. જેના પગલે રાજકોટ, જામનગર, મોરબી સહિતના ફાયર વિભાગની ટીમો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.