ખ્યાતિ હોસ્પિટલકાંડ અંગે ગુજરાતભરમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડવાનું શરૂ થયું છે. ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની મંજૂરી વગર જ હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસા બાદ હોસ્પિટલને નોટિસ ફટકારાઇ છે. તો દર્દીઓનું દિલ કારણ વગર ચીરી નાંખનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો છે. જ્યાં કોર્ટે તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ખ્યાતિ હોસ્પિટલે કેમ્પને જાણે કે કમાણીનું સાધન બનાવી દીધું હોય તેમ કડીમાં બે વર્ષથી તેમણે ધામા નાંખ્યા હતા. કડીના વિવિધ ગામોમાં કેમ્પ કરી અનેક લોકોના ઓપરેશન કરી નાંખ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગણીને લઈ બોરીસણા ગામના લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ NSUIના કાર્યકરો પણ હોસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા છે. જો કે પોલીસે ટીંગાટોળી કરી NSUIના કાર્યકરોને હટાવ્યા હતા.