અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં 48 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા, ખેડૂતો ચિંતામાં, જુઓ Video

રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા હવામાનમાં બદલાવ આવવાની સંભાવના છે.

| Edited By: | Updated on: Oct 25, 2025 | 8:27 PM

રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન કમોસમી વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા હવામાનમાં બદલાવ આવવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ નવેમ્બર માસની શરૂઆતમાં પણ ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે, જ્યારે 18 નવેમ્બર બાદ બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ તરફ મહેસાણા અને ગીર સોમનાથમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી.

મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. જેના પગલે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને ઊંઝા અને બહુચરાજી તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ અણધાર્યા વરસાદના આગમનથી ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. કારણ કે તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. બીજી તરફ ઊંઝા અને આસપાસના વિસ્તારોમાં સવારે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઊંઝા શહેરના રેલવે અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી હતી. જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા અને મુખ્ય રસ્તાઓ પાણીમાં તરબોળ થઈ ગયા હતા. વેરાવળ સાથે સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું નોંધાયું હતું. ખાંભા, પ્રાચી, ટીંબી અને કાજલી જેવા ગામોમાં પણ વરસાદ વરસતા કૃષિ વિસ્તારમાં ચિંતા જોવા મળી છે. ખાસ કરીને મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ દરિયાઈ સીમામાં તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. જાફરાબાદ બંદર પર 3 નંબર સિગ્નલ લગાવી દરિયા કાંઠાના વિસ્તાર, જાફરાબાદ લાઈટ હાઉસ, ધારાબંદર, પીપાવાવ પોર્ટ, શિયાળ બેટ સહિત કાંઠાના વિસ્તરમાં એલર્ટ કરી તમામ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે તમામ બોટ એસોસિએશન વિભાગના હોદેદારોને લેખિત જાણકરી એલર્ટ કરવામા આવ્યા છે. તમામ માછીમારોને તાત્કાલિક પરત બોલાવવા આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો