બોટાદ વીડિયો : નિગાળા રેલવે સ્ટેશન પર 4 લોકોના આત્મહત્યા કેસમાં થયો મોટો ખુલાસો, માનસિક-આર્થિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની આશંકા
બોટાદના નિગાળા રેલવે મથક પર એક જ પરિવારના 4 સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર ચારેય લોકો થોડા સમય પહેલા જ જેલમાંથી મુક્ત થયા હતા.
બોટાદના નિગાળા રેલવે મથક પર એક જ પરિવારના 4 સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આપઘાત કરનારામાં 2 યુવતી અને 2 પુરૂષો હોવાનું સામે આવ્યું છે. ચારેય મૃતકોએ ભાવનગર-ગાંધીગ્રામ ટ્રેન નીચે કૂદીને મોતને વ્હાલ કર્યું હતું. ઘટનાની જાણ થતા બોટાદ રેલવે વિભાગના અધિકારીઓ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આપઘાત કરનાર પરિવાર સખપર ગામનો રહેવાસી હતો. જેમાં મૃતકોમાં 42 વર્ષીય મંગાભાઇ વિજુડા, 19 અને 17 વર્ષની બે પુત્રી, અને 21 વર્ષીય પુત્ર હતો. સૂત્રોની માનીએ તો મંગાભાઇ 10 દિવસ પહેલા જ જામીન પર છૂટીને આવ્યા હતા. જેમની સામે કૌટુંબિક ભાઇ સાથે મારામારી હેઠળ ગઢડા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
