સુરેન્દ્રનગર: 21મી સદીમાં પણ 16મી સદી જેવી માનસિકતા! જાહેર કૂવેથી પાણી ભરવા મુદ્દે અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર

| Edited By: | Updated on: May 17, 2026 | 4:57 PM

સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના મેતાસર ગામે આભડછેટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાર્વજનિક કૂવા પર પાણી ભરવા ગયેલા અનુસૂચિત જાતિના યુવકને રોકીને જાતિવિષયક અપમાનિત કરાયા બાદ આખા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાતા પોલીસે તપાસ તેજ કરી છે.

આપણે ભલે ડિજિટલ અને આધુનિક યુગમાં જીવતા હોવાના દાવા કરીએ, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ આભડછેટ અને જ્ઞાતિવાદનું દૂષણ જીવતું હોવાનો ચોંકાવનારો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. દસાડા તાલુકાના મેતાસર ગામે સાર્વજનિક કૂવા પર પાણી ભરવા ગયેલા અનુસૂચિત જાતિના એક વ્યક્તિને ગંભીર અને કડવો અનુભવ થયો હતો. મૂળ ગામના અને હાલ રાજકોટ રહેતા એક યુવક જ્યારે પોતાના વતને આવ્યા અને જાહેર કૂવા પર પાણી ભરવા ગયા, ત્યારે ગામના કેટલાક લોકોએ તેમને રોક્યા હતા અને જાતિવિષયક શબ્દો કહીને અપમાનિત કર્યા હતા.

આ ઘટના એટલાથી જ ન અટકી, પરંતુ અનુસૂચિત જાતિના લોકોનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જ્યારે આ સમાજનો વ્યક્તિ કરિયાણાની દુકાને સામાન ખરીદવા જાય છે, ત્યારે દુકાનદાર સામાન આપવાની ચોખ્ખી ના પાડી દે છે અને કેમેરા સામે સ્વીકારે છે કે, “હું ભેદભાવમાં માનતો નથી, પણ મારે ગામની સાથે રહેવું પડે અને મને તમને સામાન આપવાની ના પાડવામાં આવી છે.”

આ ગંભીર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે એક મહિલા સહિત 6 લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલાની સંવેદનશીલતાને જોતાં તપાસ Dy SP કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે અને વાયરલ વીડિયોને વધુ પુરાવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલવામાં આવ્યો છે.

ભારતીય બંધારણની કલમ 17 દ્વારા અસ્પૃશ્યતાને કાયદાકીય રીતે નાબૂદ કરવામાં આવી હોવા છતાં અને એટ્રોસિટી એક્ટ જેવા કડક કાયદા હોવા છતાં, આ પ્રકારની ઘટનાઓ કાયદાના ડર સામે અને આપણી આધુનિક વિચારસરણી સામે અનેક ગંભીર સવાલો ઊભા કરે છે.

Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પછી સૌથી મોટો ધડાકો, છેલ્લી સેકન્ડ સુધી સ્ટીયરીંગ પકડીને શું કરી રહ્યા હતા કેપ્ટન?

Follow Us