ભાવનગરમાં માર્કેટ યાર્ડના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ ઝડપાયુ, નક્લી લેટરપેડ, અને TDS ચોરીનો પર્દાફાશ
ભાવનગર જિલ્લામાં માર્કેટયાર્ડના નામે બનાવટી બેંક ખાતા ખોલાવી રૂ. 2 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. પાલીતાણા અને તળાજા APMCના નકલી લેટરપેડનો ઉપયોગ કરીને ખોટી પેઢીઓ ઉભી કરી TDSની ચોરી કરાઈ હતી. પોલીસે રિયાઝ નાથાણી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે જેલમાં બંધ મહમદ તકી મુખ્ય સૂત્રધાર હોવાનું જણાઈ રહ્યું છે.
ભાવનગર જિલ્લામાં માર્કેટિંગ યાર્ડના નામે બનાવટી ખાતા ખોલાવી કરોડોના ટ્રાન્જેક્શન કરવાનું કૌભાંડ સામે આવ્યુ છે. પાલિતાણા અને તળાજા APMC ના નામે બનાવટી લેટરપેડનો ઉપયોગ કરી ખોટી પેઢીઓ ઉભી કરવામાં આવતી હતી અને રોજ તેમના નામે લાખો રૂપિયાની હેરફેર કરવામાં આવતી હતી.
બનાવટી પેઢીઓના નામે અત્યાર સુધી રૂ.2. કરોડ ટ્રાન્સફર કરાયા હોવાનું સામે આવ્યુ છે. મોટી કંપનીઓના નાણાં ટ્રાન્સફર કરી TDS ચોરીનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે. પાલિતાણા અને તળાજા પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવામાં આવ્યા છે. હાલ SOG PI દ્વારા સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં રિયાઝ નાાણી, સુલતાન અલી વેલાણી, દોસ્ત મહંમદ વેલાણી અને તળાજાના પેઢી માલિક સાકીર અલી શેખની ધરપકડ કરવામાં આવી છે.
કૌભાંડની કાર્યપદ્ધતિ અનુસાર, આરોપીઓ દ્વારા APMCના નામે નકલી બેંક ખાતા ખોલવામાં આવતા હતા. ત્યારબાદ, પાલીતાણા અને તળાજા APMCના બનાવટી લેટરપેડનો ઉપયોગ કરીને ખોટી પેઢીઓ રજીસ્ટર કરવામાં આવતી હતી. આ ખોટી પેઢીઓના નામે મોટા પાયે આર્થિક વ્યવહારો કરવામાં આવતા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મોટી કંપનીઓના નાણાં આ બનાવટી પેઢીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS)ની ચોરી કરવામાં આવતી હતી. આ રીતે ટેક્સ ચોરી કરીને કૌભાંડનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.
જો કે આ કૌભાંડમાં જેલમાં બંધ મહંમદ તકી સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાની આશંકા છે. હાલ પોલીસે તેની પણ કસ્ટડી લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે. મહમદ તકીની ધરપકડ બાદ કૌભાંડના મૂળ સુધી પહોંચવામાં અને તેના વ્યાપક નેટવર્કનો પર્દાફાશ કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે. આ કૌભાંડ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ફેલાયેલું હોવાની શક્યતાઓ નકારી શકાય નહીં, જેના પગલે પોલીસ તપાસનો વ્યાપ પણ વધારી શકે છે. ભાવનગર પોલીસે આર્થિક ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.
