સુરતમાં 6 માળની ઈમારત ધરાશાયી થતા 15 લોકોને આવી ઈજા, 5 લોકો ફસાયા હોવાની આશંકા

|

Jul 06, 2024 | 7:31 PM

સુરતમાં સચિન GIDC વિસ્તારમાં એક 6 માળની ઈમારત ધરાશાયી થઈ છે. બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોને ઈજા આવી છે. કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા જ ફાયરવિભાગ અને પોલીસની ટીમ પહોંચી છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં 6 માળની ઈમારત ધરાશાયી થતા 5 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા છે. દુર્ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ પુરજોશમાં બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેસીબી મશીનની મદદથી ઈમારતનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે.. અચાનક ઈમારત ધરાશાયી થતા 15 જેટલા લોકોને નાની મોટી ઈજા આવી છે.

6 માળની ઈમારત જમીનદોસ્ત થતા કલેક્ટર, સુરત પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ધારાસભ્ય સંદિપ દેસાઈ પણ ઘટનાસ્થળે હાજર છે. અધિકારીઓની હાજરીમાં રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે.  એક મહિલાને રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે કાટમાળ નીચેથી બહાર કાઢી છે. હજુ એક વ્યક્તિ કાટમાળમાં ફસાયેલા હોય તેવી આશંકા સેવાઈ છે.

બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં આસપાસ રહેલા 15 જેટલા લોકોને ઈજા થઈ છે. ઘટનાસ્થળે હાલ કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે. ઈમારતમાં ચારથી પાંચ પરિવાર રહેતા હતા. પરંતુ વર્કિગ ડે હોવાથી વધુ લોકો ઈમારતમાં હાજર ન હતા. બિલ્ડીંગની માલિકી ખાનગી વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે. જર્જરીત ઈમારત હોવા છતા જીવના જોખમે લોકો ત્યા રહેતા હોવાની માહિતી મળી છે. હાલ પોલીસ દ્વારા ત્યાંથી લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે.

Input Credit- Baldev Suthar- Surat 

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:12 pm, Sat, 6 July 24

Next Video