કોરોનાની સુનામી વચ્ચે મોરવાહડફ બેઠક માટે મતદાન, ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા

કોરોનાની ગાઈડલાઈન હેઠળ, મોરવા હડફ ( Morwa Hadaf ) બેઠકની પેટાચૂંટણીમાં ધીમે પરંતુ મક્કમ રીતે શાંતિપૂર્વક મતદાન ( voting ) થઈ રહ્યું છે

  • Bipin Prajapati
  • Published On - 7:59 AM, 17 Apr 2021

ગુજરાત વિધાનસભાની મોરવા હડફ ( Morwa Hadaf ) બેઠક માટેની પેટાચૂંટણી ( by-election ) આજે 17 એપ્રિલ 2021ના રોજ યોજાઈ રહી છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ બેઠક ઉપર કુલ 2 લાખ 19 હજાર 337 મતદારો નોંધાયેલા છે. જેઓ ભાજપ ( BJP )ના નિમિષા સુથાર  અને કોંગ્રેસના (Congress)ના સુરેશ કટારા સહીતના ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. કોરોનાના કપરાકાળ વચ્ચે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં કુલ 329 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના સીધા માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલા આ ચૂંટણીમાં કોરોનાની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવા દરેક મતદાન મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડલાઈન હેઠળ ધીમે પરંતુ મક્કમ રીતે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભાની બેઠક ઉપર 2017માં કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. પરંતુ તેમની સામે બોગસ આદીજાતીનુ પ્રમાણ પત્ર હોવાનો કેસ થયો હતો. જેમાં કોર્ટ કાર્યવાહીને અંતે કોંગ્રેસના ઉમેદવારની જીત રદ કરવામાં આવી હતી. જેના કારણે આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ભાજપે વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા તેમને જ ફરીથી ટિકીટ આપી છે. જ્યારે કોંગ્રેસે અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આજની પેટાચૂંટણીમાં પણ મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર વચ્ચે જ સ્પર્ધા છે.