Breaking News : જામનગરના બજરંગ ઢોસામાં ચટણીમાંથી જીવાત નીકળતા ફૂડ વિભાગના આદેશથી ત્રણ દિવસ બંધ
જામનગરના પ્રખ્યાત બજરંગ ઢોસામાં ચટણીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. વિડીયો વાયરલ થયા બાદ ફૂડ વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો. ફૂડ વિભાગે બજરંગ ઢોસાને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો અને સંપૂર્ણ સફાઈ તેમજ પેસ્ટ કંટ્રોલ કરાવવાનો આદેશ આપ્યો છે, જેથી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
જામનગરમાં જાણીતા બજરંગ ઢોસામાં ગ્રાહકે મંગાવેલા ઢોસાની ચટણીમાંથી જીવાત (વંદો) નીકળ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફૂડ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ગ્રાહક ડોક્ટર ભાવેશ વ્યાસે પરિવાર સાથે ભોજન લેતા સમયે આ જીવાત જોઈ હતી અને દુકાનદારના ઉડાવ જવાબથી નારાજગી વ્યક્ત કરી હતી.
ઢોસાની ચટણીમાંથી જીવાત નીકળી
ફૂડ વિભાગની ટીમે બજરંગ ઢોસાની દુકાનમાં પહોંચીને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે, નિરીક્ષણ સમયે જીવાત ન મળી, પરંતુ દુકાનમાં સ્વચ્છતાનો અભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ફૂડ સેફટી ઓફિસર નીલેશ જાસોલીયાએ જણાવ્યું હતું કે, FSSAIના માપદંડો મુજબ સ્વચ્છતા જળવાઈ ન હોવાથી, બજરંગ ઢોસાને ત્રણ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દુકાનમાં સંપૂર્ણ સફાઈ, પેસ્ટ કંટ્રોલ, પાણીના રિપોર્ટ અને મેડિકલ ફિટનેસ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા અને સ્વચ્છતા નિયમોના પાલન માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
દુકાનને ત્રણ દિવસ માટે બંધ કરવાનો આદેશ
જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા મુદ્દે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા પ્રખ્યાત બજરંગ ઢોસામાં ગ્રાહકે મંગાવેલા ઢોસાની ચટણીમાંથી જીવાત નીકળવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ ફૂડ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને દુકાનને ત્રણ દિવસ માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
હાલ પૂરતું, બજરંગ ઢોસાને ત્રણ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ અપાયો છે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારનું વેચાણ અટકાવવામાં આવ્યું છે.આ ઘટનાએ ફરી એકવાર બહાર જમતા લોકોમાં ખાદ્ય સુરક્ષા અને રેસ્ટોરન્ટની સ્વચ્છતા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે. તહેવારોના સમયમાં આવા બનાવો ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે, ત્યારે ફૂડ વિભાગ દ્વારા આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરીને ગ્રાહકોના હિતનું રક્ષણ કરવું અનિવાર્ય બની રહે છે.