Breaking News : લક્ષ્મી ગ્રુપ પર IT ના દરોડા યથાવત, ભાગેડુ મેહુલ ચોક્સી કનેક્શન અને કરોડોની કરચોરીની શંકા, જુઓ Video

| Updated on: Jan 29, 2026 | 11:26 AM

સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર બીજા દિવસે પણ આઈટીના દરોડા યથાવત છે. વસંત અને ચૂની ગજેરા સંચાલિત ગ્રુપના ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ ક્ષેત્રે 30 સ્થળોએ તપાસ ચાલી રહી છે. ભાગેડુ મેહુલ ચોક્સી સાથે કનેક્શન અને મોટી કરચોરીની શંકાના આધારે 110 અધિકારીઓ કાર્યરત છે. EDની એન્ટ્રી પણ શક્ય છે.

સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડા બીજા દિવસે પણ યથાવત રહ્યા છે. ગ્રુપના માલિકો વસંત ગજેરા અને ચૂની ગજેરાના નિવાસસ્થાનો અને સંસ્થાઓ પર આઈટી વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણ જેવા ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત આ ગ્રુપની 30 જેટલી જગ્યાઓ પર 110 થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે.

આ તપાસ પાછળ મુખ્યત્વે મોટી કરચોરીની આશંકા જવાબદાર છે. આઈટી વિભાગને માહિતી મળી હતી કે લક્ષ્મી ગ્રુપમાં ભાગેડુ મેહુલ ચોક્સીનું રોકાણ છે અને ઓફિસ સ્ટાફને ત્યાં રોકડ રકમ રાખવામાં આવતી હતી. મેહુલ ચોક્સીનું નામ મુંબઈમાં દાખલ થયેલા એક કેસની ચાર્જશીટમાં પણ સામે આવ્યું હતું, જેમાં તેના લક્ષ્મી ગ્રુપ સાથેના કનેક્શનની વિગતો મળી હતી. આ કનેક્શન મુદ્દે પણ સઘન તપાસ ચાલી રહી છે.

આવકવેરા વિભાગના અધિકારીઓ ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો, ભાગીદારો અને અન્ય સંબંધિત વ્યક્તિઓના રહેણાંક સ્થળો, ઓફિસો, ફેક્ટરીઓ, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને ડાયમંડ ફેક્ટરીઓ સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. અધિકારીઓ દ્વારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવી રહ્યા છે અને શંકાસ્પદ વસ્તુઓની પણ તપાસ થઈ રહી છે. ઘટના સ્થળે આઈટી વિભાગના અધિકારીઓની અવરજવર સતત જોવા મળી રહી છે.

આઈટી વિભાગની આ તપાસ પૂર્ણ થયા બાદ પ્રવર્તન નિર્દેશાલય (ED) પણ આ મામલે કાર્યવાહી કરી શકે છે, કારણ કે મેહુલ ચોક્સી જેવા ભાગેડુ સાથેના કનેક્શનના મામલામાં મની લોન્ડરિંગનો એંગલ પણ જોડાઈ શકે છે. સુરતમાં ચાલી રહેલી આ કાર્યવાહી ગુજરાતના સૌથી મોટા આઈટી દરોડાઓમાંની એક ગણાય છે.

Input Credit: Baldev Suthar

“સમાજનો ભૂવો હું બન્યો છું, નાળિયેર કઈ બાજુ ફેંકવું હું જાણું છું”, ઠાકોર સમાજના સંમેલનમાં બોલ્યા અલ્પેશ ઠાકોર, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો