અહીં મૂર્તિ રૂપે દર્શન દે છે એકાદશી માતા ! જાણો આદ્યશક્તિના સૌથી દુર્લભ અગિયારસ રૂપનો મહિમા

વિશ્વમાં અન્ય કોઈપણ સ્થળ પર આ રીતે માતા અગિયારસીના દર્શન નથી થતા. દેવી અગિયારસીનું આવું મૂર્તિ રૂપ અન્ય કોઈપણ સ્થળે જોવા નથી મળતું. એ જ કારણ છે કે દેવીના આ સૌથી દુર્લભ રૂપના દર્શનાર્થે નિત્ય જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

TV9 Bhakti

| Edited By: Bipin Prajapati

May 11, 2022 | 11:30 AM

વર્ષ દરમિયાન અનેક પ્રકારના વ્રત આવતા હોય છે. પણ, તે સૌમાં એકાદશીના (Ekadashi) વ્રતનો સવિશેષ મહિમા છે. ભાવિકો આસ્થા સાથે એકાદશીનું વ્રત કરતા હોય છે. કોઈ એકટાણું કરી શ્રીહરિનું નામ લે. તો કોઈ ભૂખ્યા પેટે જ ભજન કરી શ્રીવિષ્ણુના આશીર્વાદની પ્રાપ્તિ કરે. કહે છે કે એકાદશીના દિવસે તો પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી પણ ભક્તો ભવબંધનને પાર ઉતરી જતાં હોય છે. પણ, અમારે તો આજે કરવી છે આ જ અગિયારસ માતાના મૂર્તિ રૂપની વાત ! 12 મે, ગુરુવારના રોજ મોહિની એકાદશીનો અવસર છે. ત્યારે આવો, આપને એ જણાવી કે અમદાવાદમાં ક્યાં દર્શન દઈ રહ્યા છે મૂર્તિ રૂપ અગિયારસ માતા ?

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાનું મંદિર આવેલું છે. આ એ સ્થાનક છે કે જ્યાં શ્રદ્ધાળુઓને શિવ-શક્તિ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે. પણ, સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં માતા એકાદશી મૂર્તિ રૂપે વિદ્યમાન થયા છે ! કહે છે કે વિશ્વમાં અન્ય કોઈપણ સ્થળ પર આ રીતે માતા અગિયારસીના દર્શન નથી થતાં. દેવી અગિયારસીનું આવું મૂર્તિ રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. અને એ જ કારણ છે કે દેવીના આ સૌથી દુર્લભ રૂપના દર્શનાર્થે નિત્ય જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.

અહીં ગર્ભગૃહ મધ્યે માતા અગિયારસની એકદમ નાનકડી પ્રતિમા વિદ્યમાન છે. સાદગીપૂર્ણ શણગાર સાથે શોભતી દેવીની આ પ્રતિમા અત્યંત ભાવવાહી ભાસે છે. આ અગિયારસી માતા મા અંબાની જેમ જ નિત્ય જ તેમનું વાહન બદલે છે ! કારણ કે તે મૂળે તો દેવી અંબાનું જ સ્વરૂપ મનાય છે. વાસ્તવમાં તો જગતજનની ભવાની માતા જ અહીં અગિયારસ માતા તરીકે પૂજાઈ રહ્યા છે.

અગિયારસ માતાનું પ્રાગટ્ય

દંતકથા એવી છે કે લગભગ 200 વર્ષ પૂર્વે તળાવ ખોદતા માતા અંબાની એક સ્વયંભૂ પ્રતિમા મળી આવી હતી. ભક્તોએ આસ્થા સાથે નાનકડી દેરી બનાવી માતાની મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિ સ્થાપનાનો તે દિવસ અગિયારસનો હોઈ દેવી અગિયારસ માતાના નામે પ્રસિદ્ધ થયા. અલબત્, મોટાભાગે શ્રદ્ધાળુઓ તેમને માતા અગિયારસીનું જ સંબોધન કરે છે. અને અહીં અગિયારસની તિથિએ માતાના દર્શનનો સવિશેષ મહિમા છે.

અહીં શ્રદ્ધાળુઓ સુખડીની માનતા માને છે. અને માનતા પૂર્ણ થતાં માને સુખડી અર્પણ કરવા પહોંચી જાય છે. કહે છે કે આસ્થા સાથે અહીં આવનારને ક્યારેય નિરાશ નથી કરતા માતા અગિયારસી.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati