
વિશ્વના સૌથી ધનિક દેશ અમેરિકા જેવા દેશમાં પણ આજે જો તમારે એક બેંકમાંથી બીજી બેંકમાં તરત જ પૈસા ટ્રાન્સફર કરવા હોય, તો તે એક મોટી માથાકૂટ બની જાય છે. પરંતુ બીજી તરફ ભારતની વાત કરીએ તો, અહીં રસ્તા પર નાસ્તો વેચતો એક સામાન્ય ફેરિયો કે ચાની લારીવાળો પણ માત્ર QR કોડ સ્કેન કરીને 2 સેકન્ડમાં ₹10ની ચુકવણી સ્વીકારી શકે છે.
આજે આપણા માટે આ બધું સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતની આ સ્વદેશી ટેક્નોલોજીએ અમેરિકાની સમગ્ર નાણાકીય વ્યવસ્થાને હચમચાવી દીધી હતી? આ કહાની શરૂ થાય છે વર્ષ 2016 પહેલાંના ભારતથી. તે સમયે ડિજિટલ પેમેન્ટ એટલે માત્ર પ્લાસ્ટિકનાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ. સમગ્ર વિશ્વના પેમેન્ટ માર્કેટ પર અમેરિકાની બે મોટી કંપનીઓનું વર્ચસ્વ હતું. જે Visa અને Mastercard છે.
તેમનું બિઝનેસ મોડલ ખૂબ જ ચાલાકીભર્યું હતું. જ્યારે પણ તમે કોઈ દુકાનમાં કાર્ડ સ્વાઇપ કરીને પેમેન્ટ કરતા, ત્યારે આ કંપનીઓ દુકાનદાર પાસેથી 2થી 3 ટકા જેટલો ચાર્જ વસૂલતી હતી. આ ચાર્જને MDR એટલે કે Merchant Discount Rate કહેવામાં આવે છે. એટલે કે, જો કોઈ ભારતીય દુકાનદાર ₹100નો સામાન વેચે, તો તેમાંથી ₹2થી ₹3 સીધા Visa અને Mastercard જેવી કંપનીઓ પાસે જતા હતા.
આટલું જ નહીં, કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન ખરીદવું પણ ખૂબ મોંઘું હતું. આથી નાના દુકાનદારો માટે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવું ફાયદાકારક સોદો નહોતો. ત્યારે RBI એટલે કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા અને દેશના કેટલાક મોટા બેંકિંગ નિષ્ણાતોએ વિચાર્યું કે, આપણા દેશના પૈસા વિદેશી કંપનીઓ પાસે શા માટે જાય? આપણે આપણી પોતાની પેમેન્ટ સિસ્ટમ કેમ ન બનાવીએ? અને આ જ વિચારમાંથી જન્મ થયો NPCI એટલે કે National Payments Corporation of India નો.
ભારતીય એન્જિનિયરોએ સાથે મળીને એક એવી ટેક્નોલોજી તૈયાર કરી, જેણે પેમેન્ટ કરવાની આખી દુનિયા બદલી નાખી. આ સિસ્ટમનું નામ હતું UPI એટલે કે Unified Payments Interface. આ માત્ર એક એપ નહોતી. પરંતુ પૈસાની હેરફેર માટેનો એક એવો ડિજિટલ રસ્તો હતો. જેણે આખી રમત બદલી નાખી. ભારતીય એન્જિનિયરોએ એકદમ સરળ પણ જબરદસ્ત વિચાર અમલમાં મૂક્યો. ન કાર્ડની જરૂર, ન મોંઘા મશીનની!
માત્ર એક સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને QR કોડથી પેમેન્ટ થઈ શકે. એટલે કે સીધા એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થવા લાગ્યા. Visa અને Mastercard જેવા મધ્યસ્થીઓની જરૂરિયાત ઘણી હદ સુધી ઓછી થઈ ગઈ. ત્યારબાદ નવેમ્બર 2016માં ભારતમાં નોટબંધી થઈ અને દેશભરમાં રોકડની અછત ઊભી થઈ. બરાબર એ જ સમયે UPI અને QR કોડનો ઉપયોગ મોટાભાગે થવા લાગ્યો.
શાકભાજીવાળા, મોચી, રિક્ષાચાલકો અને ચાવાળાઓએ પણ પોતાની દુકાનો પર ₹10ના QR કોડ લગાવી દીધા. આ પરિવર્તનથી Visa અને Mastercard જેવી કંપનીઓ માટે ભારતીય બજારમાં નવી સ્પર્ધા ઊભી થઈ. તેમણે અમેરિકાની સરકાર સમક્ષ ભારતની ડિજિટલ પેમેન્ટ નીતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી અને દલીલ કરી કે ભારતની નીતિઓ વિદેશી કંપનીઓ માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.
ભારતની આ સફળતાની ચર્ચા ત્યારે વધુ વધી, જ્યારે વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપનીઓમાંની એક Google એ અમેરિકાની કેન્દ્રીય બેંક, એટલે કે US Federal Reserve ને એક પત્ર લખ્યો. આ પત્રમાં Google એ અમેરિકાની પેમેન્ટ સિસ્ટમને વધુ સારી બનાવવા માટે ભારતના UPI મોડલ પાસેથી શીખવાની સલાહ આપી હતી.
ત્યારબાદ અમેરિકાએ પોતાની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ FedNow શરૂ કરી, જેનો હેતુ અમેરિકામાં ઝડપી બેંક-ટુ-બેંક પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો હતો. આજે ભારત દર મહિને 10થી 15 અબજથી પણ વધુ UPI ટ્રાન્ઝેક્શન કરે છે. આટલા મોટા પાયે ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ ભારતને વિશ્વના અગ્રણી દેશોમાં સ્થાન અપાવે છે.
જે પશ્ચિમી દેશો એક સમયે ભારતને સાપના ખેલાડીઓ અને અભણ લોકોનો દેશ માનતા હતા, આજે એ જ દેશો ભારતની UPI ટેક્નોલોજીમાં રસ દાખવી રહ્યા છે. ફ્રાન્સ, સિંગાપોર અને UAE જેવા દેશો પણ ભારતની UPI ટેક્નોલોજી અપનાવવા માટે આગળ આવી રહ્યા છે. આ છે નવા ભારતની તાકાત! જ્યાં એક ચાની લારી પરનો QR કોડ પણ દુનિયાની મોટી નાણાકીય વ્યવસ્થાને નવી દિશા બતાવી રહ્યો છે.